Mysamachar.in-અમદાવાદ:
નવરાત્રી દરમિયાન ગરબાના સમયનો વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. મોડીરાત સુધી ચાલતા ગરબાના કારણે લાઉડ સ્પીકરથી પરેશાન નાગરિકે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. જેના પર હાઈકાર્ટે જણાવ્યું છે કે કોઈ નાગરિક 12 વાગ્યા બાદ લાઉડસ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.
મોડીરાત સુધી ચાલતા ગરબાથી પરેશાન નાગરિકે HCમાં રજૂઆત કરી છે કે, SC અને HCનો હુકમ છતાં પોલીસને કાર્યવાહી કરતા રોકવા માટે કોઈ સૂચના ન આપી શકે. નાગરિક દ્વારા મોડી રાત સુધી લાઉડ સ્પીકરોના કારણે પરેશાની થતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. નાગરિકની ફરિયાદ પર હાઈકોર્ટે કહ્યું કે, કોઈ નાગરિક 12 વાગ્યા પછી લાઉડ સ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે. અગાઉ જે હુકમો પસાર થયા છે તેના પાલનની જવાબદારી પોલીસ વિભાગની છે.
હાઈકોર્ટે તો ત્યાં સુધી કહ્યું કે, જો પરેશાન નાગરિક ફરિયાદ કરશે તો 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર પર ગરબા ચાલી શકશે નહીં. નાગરિક ઈચ્છે તો આવા ગરબા ઓર્ગેનાઇઝર્સ સામે FIR દાખલ પણ કરાવી શકે છે. મહત્વનું છે કે ગતરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વડા સાથે બેઠક કરી તેમને ખેલૈયાઓને કોઈ ખલેલ ન પહોંચે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે રીતે વધુમાં વધુ સમય સુધી ગરબા રમવા માટે મૌખિક સૂચના આપી હતી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ SP અને પોલીસ કમિશનરને ગરબા બંધ કરાવવા ન જવાની સૂચના આપ્યા બાદ આજે હાઈકોર્ટે પણ અરજદારની રજૂઆત પર આ ટકોર કરી છે.