Mysamachar.in:અમદાવાદ
તબીબી વ્યવસાય એક વિશિષ્ટ વ્યવસાય છે. જેમાં લાખો લોકોની જિંદગીઓ તબીબોના વર્તન અને તબીબોની માનસિકતા સાથે ગાઢ રીતે સંકળાયેલી હોય છે અને તબીબોનો વ્યવસાય સેવાલક્ષી હોવાથી સૌ ઈચ્છતા હોય છે કે, તબીબોએ સ્વયં અનુશાસિત રહેવું જોઈએ. રવિવારે અમદાવાદ ખાતે આયોજિત ડોકટરોના એક કાર્યક્રમમાં ખુદ મુખ્યમંત્રીએ પણ આ અર્થમાં સૂચક વાત કરી હતી.
અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકે ડો. તુષાર પટેલની વરણી થઈ છે. આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી સહિતના અમદાવાદ તથા ગાંધીનગરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. ડો. તુષાર પટેલએ પ્રમુખ તરીકે પ્રથમ સંબોધનમાં જણાવ્યું હતું કે, આ એસોસિએશન માત્ર મેમ્બર્સ માટે જ નથી, આપણે સૌએ આ એસોસિએશનના માધ્યમથી લોકો માટે પણ કામ કરવાના હોય છે. એસોસિએશન દરદીઓના તથા લોકોના કલ્યાણ માટે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરે તે પણ આપણો આશય છે.
આ તકે મુખ્યમંત્રીએ પણ સંબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, ડોકટરો કોઈ પણ બાબતમાં સરકાર પક્ષે કોઈ પણ પ્રકારની તકલીફ કે સમસ્યાનો સામનો કરતાં હોય તો ડોક્ટરોએ સરકાર સાથે વાતચીત કરવી જોઈએ. વાતચીતથી કોઈ પણ બાબતનું નિરાકરણ આવી શકતું હોય છે. ડોક્ટર વ્યવસાયમાં હડતાળ ઈચ્છનીય નથી હોતી, ડોક્ટરોની હડતાળથી અનેક લોકો પરેશાન થતાં હોય છે. સંવેદનશીલતાની દ્રષ્ટિએ પણ આ મુદ્દો અગત્યનો છે. અને એટલે તબીબો માટે હડતાળ પ્રથમ વિકલ્પ ન હોવો જોઈએ, સરકાર સાથેની વાતચીતથી કોઈ પણ સમસ્યાનો હલ શોધી શકાતો હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ સુઝાવને એસોસિએશનના હોદ્દેદારોએ અનુમોદન આપ્યું હતું.