Mysamachar.in:અમદાવાદ
ઘણાં વર્ષોથી ગુજરાતમાં એમ કહેવાય છે કે, લાંચ લેતાં પકડાઈ જાવ તો, લાંચ આપીને છૂટી જવું. પરંતુ હવે સમય ફર્યો છે. ACB પોતાની પ્રતિષ્ઠા ચકચકિત બનાવવા ઇચ્છે છે. ACBને ખબર છે કે, પોલીસ મથકોમાં ઘણી ગોઠવણ અને તોડ થતાં હોય છે. આ પ્રકારની સ્થિતિને કારણે સરકાર બદનામ થઈ રહી છે. સરકારને બદનામીથી બચાવવા ACBએ મનમાં ગાંઠ વાળી લીધી હોય એવું દેખાઈ રહયું છે. ACBએ રાજયભરમાં પોલીસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું જાણવા મળે છે. ખાસ કરીને કોઈ કેસમાં પોલીસે કોઈ પણ વ્યકિતની અટકાયત કરી હોય (અને આ અટકાયત રેકર્ડ પર લીધી હોય અથવા ન લીધી હોય) તેવા કિસ્સાઓમાં ‘તોડ’ની સંભાવનાઓ પુષ્કળ હોય છે.
CrPCની કલમ 151 હેઠળ અટકાયતી પગલાં લેવાનાં કાયદાનો પોલીસ વિભાગ દ્વારા મહદઅંશે દુરઉપયોગ થતાં હોવાના કિસ્સાઓ રોજ સામે આવી રહ્યા છે. આ કલમ હેઠળ અટકાયતીને અદાલતમાં વહેલો રજૂ કરવો અને અટકાયતીને લોકઅપમાં ન રાખવા મામલે રાજયમાં સંખ્યાબંધ પોલીસ કર્મચારીઓ લાંચ લેતાં હોય એવા કેસો પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યા હોવાનું ACBના ધ્યાન પર આવ્યું છે. આથી ACBએ તમામ પોલીસ મથકો પર ખાસ વોચ રાખવા નિર્ણય લીધો છે.
આ કાયદાના દુરઉપયોગ સામે ACB હવે સજાગ બની છે. અને લાંચિયા પોલીસકર્મીઓ અને અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પ્રકારના કેટલાંક કેસ રેકર્ડ પર પણ આવ્યા છે. ACBએ હવે આ પ્રકારના અટકાયતીઓનો સામેથી સંપર્ક કરવાની કવાયત હાથ ધરી છે. ACB અટકાયતીઓને પૃચ્છા કરી રહી છે કે તમારી પાસે લાંચ માંગવામાં આવી હતી કે કેમ ? આ કેસોમાં ACB પુરાવાઓ એકત્ર કરી રહી છે. છટકાઓ પણ ગોઠવી રહી છે. છટકું ગોઠવાય પછી પણ જો કોઈ લાંચ લેનાર છટકી જશે તો તેનાં વિરૂદ્ધ પુરાવાઓ એકત્ર કરવામાં આવશે. ટૂંકમાં ACB આવા મામલાઓમાં ગંભીર બની છે.
સરકારી વિભાગોમાં સરળતાથી પૂરાં થઈ શકે તેવા કામો પણ લાંચ આપ્યા વગર થતાં નથી એ વાસ્તવિકતા પર ACB ધ્યાન આપી રહી છે. તેમાં પણ ખાસ કરીને પોલીસ વિભાગમાં નાણાં વેરવા છતાં ઘણાં લોકો પરેશાન થતાં હોય છે ! આ મામલાઓ પ્રત્યે વધુ વોચ રાખવામાં આવી રહી છે. જે મામલામાં દસ વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય છે તેમાં પોલીસ ટેબલ જામીન આપી શકે છે એટલે કે આ કેસોમાં જામીન માટે અદાલતમાં જવાની જરૂર હોતી નથી. પોલીસમથક ઇન્ચાર્જની પરવાનગીથી જામીન આપી શકાય છે. પરંતુ CrPCની કલમ 151 હેઠળ આ કેસોમાં પોલીસ આરોપીને થાણામાં એક દિવસ રાખવાની, લોકઅપમાં રાખવાની સતા ધરાવે છે. આ સતાનો દુરુપયોગ થતો હોવાના અને એ રીતે પૈસા પડાવવામાં આવતાં હોવાના કિસ્સાાઓ ધ્યાન પર આવી રહ્યા છે.
CrPCની કલમ 151 હેઠળ જે આરોપી વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરતી હોય છે તે આરોપીઓ પોતાની આબરૂ બચાવવા સ્થાનિક પોલીસ સાથે નાણાંની લેવડદેવડ કરી, વિવિધ સુવિધાઓ પ્રાપ્ત કરી લેતાં હોય છે. તાજેતરમાં આવા કેસ સામે આવતાં ACBએ ત્રણ કેસ રેકર્ડ પર લીધાં છે. જેમાં આ પ્રકારના આરોપીને પોલીસે સવલત પૂરી પાડી હતી. ટ્રેપ ગોઠવીને આ પોલીસકર્મીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને તેઓ વિરુદ્ધ કાર્યવાહીઓ થઈ છે.
એક કિસ્સો એવો હતો કે આરોપીને લોકઅપમાં રાખવામાં ન આવ્યો. બારોબાર કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યો. આ મામલામાં બે કોન્સ્ટેબલ રૂપિયા 50,000ની લાંચ લેતાં ઝડપાઈ ગયા. આવા એક અન્ય કેસમાં એક ફોજદાર લાંચમાં ઝડપાઈ ગયો. જેણે 151ના આરોપીને માર નહીં મારવાના બદલામાં તથા ‘પાસા’માં ફીટ ન કરવાના બદલામાં રૂપિયા 50,000 લીધાં હતાં.
આવો ત્રીજો કેસ આરોપીને લોકઅપમાં ન રાખવાના બદલામાં રૂપિયા 20,000ની માંગ પછી રૂપિયા 4,000માં સોદો ફાઈનલ કરનાર કોન્સ્ટેબલ ઝડપાઈ ગયો. ACB DySP ગંભીરસિંહ પઢેરિયા કહે છે: જે પોલીસકર્મીઓ અથવા અધિકારીઓ પોતાને ચબરાક માને છે અને ટ્રેપમાંથી છટકી જાય છે તેઓ વિરુદ્ધ સાંયોગિક પુરાવાઓ એકત્ર કરવામાં આવશે અને પછી કેસ દાખલ કરવામાં આવશે. એક જાણકાર વકીલ કહે છે: પોલીસ કાયદાનો ડર દેખાડી લોકો પાસેથી નાણાં પડાવતી હોય એવી સંખ્યાબંધ ફરિયાદો વર્ષોથી થઈ રહી છે. ઘણાં કિસ્સાઓમાં તો જે વ્યક્તિએ કોઈ ગુનો ન કર્યો હોય તેને પણ 151 હેઠળ ઉપાડી લઇ પછી તોડ કરવામાં આવતો હોય છે !