Mysamachar.in:અમદાવાદ
સમગ્ર રાજયમાં લેન્ડ ગ્રેબિંગ કાયદો સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. કેમ કે આ પ્રકારનાં કેસો અગાઉ ભાગ્યે જ થતાં, જો કે ત્યારે પણ અન્ય કાયદાઓની વિવિધ જોગવાઈઓ અમલમાં તો હતી જ. પરંતુ લેન્ડ ગ્રેબિંગ સંબંધે નવો કાયદો રચીને સરકારે આ પ્રકારનાં અપરાધો વિરુદ્ધ કડક સંદેશ આપ્યો. સરકારે આ કાયદાનો પ્રચાર પણ ઘણો કર્યો. અને રાજયમાં પોલીસે આ કાયદા હેઠળ અસંખ્ય કેસ પણ નોંધ્યા. છેક નાનાં ગામડાંઓમાં પણ કેસ નોંધાઈ રહ્યા છે.
રાજયમાં આ કાયદો 2020ની 29મી ઓગસ્ટે અમલમાં આવ્યો. આ કાયદાનું નામ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એકટ-2020 છે. આ કાયદાને હાઈકોર્ટમાં પ્રથમ પડકાર ફેબ્રુઆરી-2021માં આપવામાં આવ્યો હતો. અને ત્યારબાદ સરકારે 2022ની 11મી જાન્યુઆરીએ વટહુકમ દ્વારા આ કાયદાની જોગવાઈમાં ફેરફાર એટલે કે સુધારો કરવો પડયો હતો. હાઈકોર્ટમાં જેતે સમયે પણ આ નવા કાયદાની બંધારણીય યોગ્યતાને પડકાર આપવામાં આવ્યો હતો. અને લાંબો સમય સુનાવણીઓ પણ ચાલી હતી. તે દરમિયાન વડી અદાલતમાં એક કરતાં વધુ વખત મુખ્ય ન્યાયમૂર્તિઓ પણ બદલી ગયા હતાં.
હાલમાં વધુ એક વખત આ કાયદાને વડી અદાલતમાં પડકારવામાં આવ્યો છે અને અદાલતે કહ્યું છે, 14 સપ્ટેમ્બરથી આ સુનાવણીઓ રોજેરોજ હાથ ધરવામાં આવશે. આ સુનાવણીઓ મુખ્ય ન્યાયમૂર્તિની ખંડપીઠ સંભાળશે. તેઓએ અરજદારોને કહ્યું છે કે, આ કાયદાની કાયદેસરતા અને બંધારણીય યોગ્યતાને તમો જે મુદ્દાઓ પર પડકારવા ઇચ્છતા હો, તે તમામ દલીલો સમાવતો બે પેઈજનો રિપોર્ટ વડી અદાલતમાં દાખલ કરો અને તેની નકલ રાજય સરકારને મોકલી આપો. આ કાયદામાં સ્પેશિયલ કોર્ટને અમર્યાદ સતાઓ આપવામાં આવી છે. અને જૂની તારીખમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો બન્યો હોય તે સંબંધે પણ અરજીઓ આપવાની આ કાયદામાં મંજૂરી આપવામાં આવી છે. આ બંને બાબતોને હાઈકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે.