Mysamachar.in:અમદાવાદ
આગામી 17 સપ્ટેમ્બરે PM વિશ્વકર્મા કૌશલ્ય સન્માન કાર્યક્રમ યોજવામાં આવશે. એ સાથે જ જાહેર થયું છે કે, વિવિધ પ્રકારના કારીગરો અને કસબીઓને કેન્દ્ર સરકાર લોન આપશે. 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાનનો જન્મદિવસ છે. આ દિવસે આ યોજના લોન્ચ કરવામાં આવશે. આ યોજનાનાં માધ્યમથી નાનાં શહેરોનાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોનાં કારીગરોનો સમાવેશ બેન્ક લોન ક્ષેત્રમાં કરી શકાશે. આ યોજનામાં કુલ 18 પ્રકારના કારીગરોનો સમાવેશ કરવામાં આવશે. તેઓને તેઓનાં કામોની આધુનિક તાલીમ આપવામાં આવશે અને ત્યારબાદ તેઓને રૂ.3 લાખ સુધીની લોન આપવામાં આવશે. આ લોન મેળવવા જામીનગીરીની જરુર નહીં પડે.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાને ટૂંકમાં PM વિકાસ યોજના તરીકે ઓળખવામાં આવશે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે આ માટે 17મી એ ખાસ કાર્યક્રમો યોજાશે. આ યોજનામાં આધાર અધિકૃત વેબ પોર્ટલ પર તમામ લાભાર્થીઓની નોંધણી કરવામાં આવશે. આ ઉપરાંત કોમન સર્વિસ સેન્ટર ખાતે પણ આધારકાર્ડ અને રાશનકાર્ડનાં ઉપયોગથી પુરાવાઓ સાથે નોંધણી કરાવી શકાશે. જે વ્યક્તિએ PM ઇજીપી કે PM સ્વનિધિ યોજનાનો લાભ નહીં લીધો હોય અને જેઓનાં પરિવારની કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી નહીં કરતી હોય, એ કારીગરો આ યોજનાનો લાભ લઈ શકશે.
આ યોજના હેઠળ સુથાર, બોટ-નાવડી બનાવનાર, સરાણિયા(ચપ્પુ બનાવનાર, ધાર કાઢનાર), લુહાર, હથોડી અને ટુલકીટ બનાવનાર, તાળાનાં કારીગર, કુંભાર, શિલ્પકાર, મોચી, વાળંદ, કડિયા, ટોપલી-ટોપલા કે સાવરણી બનાવનાર, દરજી, ધોબી, માળી, માછલી પકડવાની જાળ બનાવનાર, રમકડાંના પરંપરાગત કારીગરો અને સુવર્ણકામ કરનારા કારીગરોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ગ્રામીણ વિસ્તારોનાં કારીગરો આ યોજનાના માધ્યમથી પોતાના ધંધાનો વ્યાપ વધારી શકશે. તેઓને નોંધણી બાદ PM વિશ્વકર્મા સર્ટિફિકેટ અને આઈડી કાર્ડ આપવામાં આવશે. કૌશલ્ય ચકાસણી બાદ તેઓને રૂ.15,000 ની ટૂલકીટનો લાભ આપવામાં આવશે. બેઝિક અને એડવાન્સ તાલીમ દરમિયાન તેઓને રૂ.500નું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. તાલીમ બાદ એક લાખ રૂપિયાની લોન કોઈપણ જામીન વિના આપવામાં આવશે.