Mysamachar.in:અમદાવાદ
જમ્મુ-કાશ્મીરથી ગુજરાત તરફ આવતાં લોકોને ચેક કરવામાં આવતા નથી ?! આ પ્રકારનાં વાહનો પણ તપાસવામાં આવતા નથી ?! એવું જ સમજાઈ રહ્યું છે ! કેમ કે, અત્યાર સુધીમાં જમ્મુથી ગુજરાતમાં બેચાર નહીં, પૂરાં 800 હથિયાર અમદાવાદ તથા મહેસાણા સહિતનાં શહેરોમાં ઘૂસી ગયા છે ! એવું ખુદ પોલીસ કહે છે ! ગુજરાતની સરહદોનું ધ્યાન કોણ રાખે છે ? કે, કોઈ ધ્યાન રાખતું જ નથી ?! અને નવાઈની વાત એ પણ છે કે, આ તમામ હથિયાર બનાવટી ગન લાયસન્સનાં આધારે ગુજરાતમાં વેચાણ કરવામાં આવ્યા છે. ખુદ આર્મીના નિવૃત જવાનોએ આ ગદારી કરી હોવાનું બહાર આવતા સનસનાટી મચી ગઇ છે.
ગુજરાત પોલીસે જાહેર કર્યું છે કે, બનાવટી ગન લાયસન્સનાં આધારે હથિયારો વેચવાનું આ કૌભાંડ દેશવ્યાપી છે ! જેમાં આર્મીનાં બે નિવૃત જવાનો સહિત અત્યાર સુધીમાં નવ ને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ કહે છે : આ શખ્સો વોટસએપ પર ગ્રૂપ ધરાવતાં હતાં જેનાં મારફતે હથિયારોનું ગેરકાયદેસર વેચાણ થતું હતું. આ પ્રકરણમાં અગાઉ 6 શખ્સોની ધરપકડ બાદ વધુ 3 શખ્સોની ધરપકડ જમ્મુ કાશ્મીરથી થઈ છે. આ શખ્સોએ અમદાવાદ અને મહેસાણા સહિતનાં શહેરો અને પંથકોમાં હથિયાર વેચાણ કર્યું છે. જેમાં નકલી ગન લાયસન્સનો ઉપયોગ થયો છે.
હાલમાં ઝડપાયેલાં 3 શખ્સોમાં આર્મીનાં નિવૃત જવાન રસપાલ કુમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક ગનહાઉસ માલિક ગૌરવ કોટવાલ અને ગનહાઉસ મેનેજર સંજીવ શર્માનો સમાવેશ થાય છે. આ ગનહાઉસ જમ્મુમાં છે. આરોપી રસપાલ કુમાર આસામ રાઈફલમાં ફરજ બજાવતો હતો ત્યારે પ્રતીક ચૌધરી નામનાં શખ્સનાં સંપર્કમાં આવ્યો હતો તે પછી આ કૌભાંડ શરૂ થયું. આ બંને શખ્સો જમ્મુ ખાતે આવેલાં મહેન્દ્ર કોટવાલ ગનહાઉસ ખાતેથી હથિયારોની ખરીદી કરતાં હતાં. આ ગેરકાયદેસર હથિયારને પ્રતીક જમ્મુથી ગુજરાતમાં ઘુસાડતો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, ગનહાઉસમાંથી લાયસન્સનાં આધારે હથિયાર ખરીદતી વખતે ખરીદનારે રૂબરૂ હાજર રહેવું પડે, રજિસ્ટરમાં સાઈન કરવી પડે, ઓળખ આધારો આપવા પડે. પરંતુ આમાંનું કશું કરવામાં આવતું નહીં. બનાવટી રેકર્ડ ઉભું કરી હથિયારો વેચી નાંખવામાં આવતાં હોવાનું અમદાવાદની સોલા પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.
ગેરકાયદેસર હથિયાર કારોબારનો મુખ્ય સૂત્રધાર પ્રતીક છે, જે ગાંધીનગરનો રહેવાસી છે. તે જમ્મુ કાશ્મીર આર્મીમાં હતો ત્યારબાદ તેને આસામ રાઇફલ ખાતે મૂકવામાં આવ્યો હતો જયાં તે રસપાલ કુમારનાં સંપર્કમાં આવ્યો. આ ઉપરાંત જતીન પટેલ નામનો અન્ય એક નિવૃત આર્મી જવાન પણ આ કાંડમાં છે. જે પ્રતીકનો મિત્ર છે. જતીન નિવૃત થયાં બાદ સચિવાલય ખાતે સિકયોરિટી હેડ છે ! જતીન આર્મી જવાનોનાં લાયસન્સ રિન્યુ કરવાનાં બહાને મેળવી લેતો હતો. બાદમાં નકલી લાયસન્સ બનાવતો. જેનાં આધારે હથિયારોની ખરીદી થતી !
આ રીતે મેળવવામાં આવેલાં હથિયારો ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં વેચવામાં આવે છે એવું પોલીસે શોધી કાઢયું છે. આ કૌભાંડમાં બિપીન મિસ્ત્રી નામનો એક શખ્સ પણ ઝડપાયો છે, જે હથિયાર ખરીદનાર શોધી લાવતો હતો. આ પ્રકારના હથિયાર ખરીદનાર 6 શખ્સોની પણ ધરપકડ થઈ છે. પ્રતીક ચૌધરી જમ્મુ ગનહાઉસ ખાતેથી રૂપિયા 2-5 લાખમાં હથિયાર ખરીદી ગુજરાતમાં 15-25 લાખની કિંમતે વેચતો. હથિયાર લાયસન્સમાં જે અધિકારીનાં નામ અને સિકકાનો ઉપયોગ થયો છે તે બનાવટી હોવાનું સામે આવ્યું છે.