Mysamachar.in:અમદાવાદ
PMJay યોજના તથા માં કાર્ડ યોજના હેઠળ પ્રત્યેક ડાયાલિસીસ માટે ગુજરાતમાં સરકાર તરફથી નેફ્રોલોજિસ્ટને ચૂકવવામાં આવતી રકમમાં ઘટાડો થતાં રાજયનાં તમામ ખાનગી નેફ્રોલોજિસ્ટ દ્વારા ત્રણ દિવસની હડતાલ જાહેર કરવામાં આવી છે. આ હડતાલ તા.14 થી તા.16 ઓગસ્ટ સુધી જાહેર કરવામાં આવી છે. જેનો આજે છેલ્લો દિવસ છે. જો કે આ દરમિયાન પણ તમામ સરકારી હોસ્પિટલોમાં ડાયાલિસીસની સારવાર ઉપલબ્ધ છે જ. સરકારે જાહેર કર્યું છે કે, રાજયની તમામ મોટી સરકારી હોસ્પિટલ ઉપરાંત છેક તાલુકાકક્ષા સુધી આ પ્રકારનાં કુલ 272 ડાયાલિસીસ સેન્ટર કાર્યરત છે તેથી લોકોને આ હડતાલથી કોઈ જ અગવડ નથી.
દરમિયાન, રાજયનાં આરોગ્યમંત્રી અને પ્રવક્તામંત્રી ૠષિકેશ પટેલે મીડિયા સમક્ષ બોલતાં કહ્યું છે કે, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતનાં રાજયોમાં PMJAY તથા માં કાર્ડ યોજના અંતર્ગત ત્યાંની સરકારો દ્વારા ખાનગી એકમોને પ્રત્યેક ડાયાલિસીસ દીઠ રૂપિયા 1,500 ચૂકવવામાં આવે છે જયારે ગુજરાત સરકાર કેસદીઠ રૂપિયા 1,650 ચૂકવે છે. આથી તમામ ખાનગી નેફ્રોલોજિસ્ટએ માનવતાનાં ધોરણે આ હડતાલ પાછી ખેંચી લેવી જોઈએ.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં અત્યાર સુધી સરકાર દ્વારા પ્રત્યેક ડાયાલિસીસ દીઠ રૂપિયા 2,000 ચૂકવવામાં આવતાં હતાં જે તાજેતરમાં ઘટાડીને રૂપિયા 1,650 કરવામાં આવતાં તમામ ખાનગી નેફ્રોલોજિસ્ટએ આ હડતાલ જાહેર કરી હતી. જો કે આજે આ હડતાલનો અંતિમ દિવસ છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં સરકારી હોસ્પિટલો તથા દવાખાનાઓમાં નેફ્રોલોજિસ્ટની અછત છે. સરકારી હોસ્પિટલોમાં મોટેભાગે માત્ર ડાયાલિસીસની જ સુવિધાઓ મળે છે જે અન્ય તબીબોનાં માર્ગદર્શન હેઠળ આપવામાં આવે છે.