Mysamachar.in:અમદાવાદ
જામનગર સહિત રાજ્યભરમાં ધોરણ 1 માં બાળકને પ્રવેશ આપવાની વયમર્યાદા સરકારે, આ વર્ષથી જ, 6 વર્ષની કરી નાંખી છે. અને એ નિર્ણય અમલમાં પણ છે છતાં ઘણાં બધાં વાલીઓ અને સંસ્થાઓ આ મુદે વડી અદાલત સમક્ષ ગયા હતાં પરંતુ અદાલતે આ તમામ અરજીઓ ફગાવી દીધી છે અને સરકારનાં આ નિર્ણયને મંજૂરીની મહોર મારી દીધી છે.
વર્તમાન શૈક્ષણિક વર્ષ 2023/24 થી સરકારે જાહેર કરી દીધું હતું કે, જે બાળકને 6 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય એ બાળકને જ ધોરણ 1 માં પ્રવેશ આપવાનો રહે છે. અને આ વર્ષે આ મુજબ જ શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા થઈ છે. પરંતુ હજારો બાળકો પ્રવેશ વંચિત રહ્યા હોય, કેટલાંક વાલીઓ અને મંડળો આ મુદે વડી અદાલત સમક્ષ રજૂઆત માટે ગયા હતાં. આ પ્રકારની કુલ 55 પિટિશન દાખલ થઈ હતી. તેઓ ઇચ્છતા હતાં કે, આ નિર્ણયની અમલવારી ઓછામાં ઓછી 6 મહિના પાછી ઠેલવામાં આવે.
વડી અદાલતે આ પ્રકારની અરજીઓ રદ્દ કરી નાંખી છે. અદાલતે કહ્યું : આ અરજીઓ મેરિટ ધરાવતી નથી. આ સુનાવણી દરમિયાન કુલ 55 અરજદારોએ એવી માંગ કરી હતી કે, વય માટેની કટ ઓફ ડેટ જે 1 જૂન રાખવામાં આવી છે તે 31 ડિસેમ્બર કરવામાં આવે. ઘણાં રાજયોએ આ પ્રકારની રાહતો આપી છે એવી દલીલ પણ થઈ હતી. અને એવી પણ રજૂઆત થઈ હતી કે, સરકારનાં આ નિર્ણયની 9 લાખ બાળકોને અસર થઈ છે. તેઓએ ફરી પ્રિ સ્કૂલમાં જવું પડી રહ્યું છે. એવી પણ દલીલ કરવામાં આવેલી કે, 2020ની આ શિક્ષણનીતિનો જેતે સમયે સરકારે યોગ્ય પ્રમાણમાં પ્રચાર પણ કર્યો ન હતો. તેથી પોતાના બાળકને પ્રિ સ્કૂલમાં કયારે બેસાડવું તે અંગે વાલીઓને માર્ગદર્શન અને જાણકાર મળી શકયા ન હતાં. સરકાર વતી આ કેસમાં દલીલ કરવામાં આવી હતી કે, 3-3 વર્ષથી સરકાર દ્વારા આ અંગે સમયાંતરે જાહેરાતો કરવામાં આવતી હતી.