Mysamachar.in:અમદાવાદ
વીજચોરી એક મોટું કૌભાંડ છે. વીજચોરી ગંભીર ગુનો છે. વીજચોરીને કારણે પ્રમાણિક વીજગ્રાહકોએ મોંઘા ભાવની વીજળી ખરીદવી પડે છે. છતાં પણ કરૂણતા એ છે કે, વીજચોરી વ્યાપક પ્રમાણમાં ધમધમી રહી છે. જેનું એક કારણ એ પણ છે કે, વીજચોરી કરતાં તત્વોને કાયદાનો ડર નથી ! વીજચોરી કરનારાઓ પૈકી ઘણાં બધાં લોકો સ્થાનિક અદાલતોમાં ‘આસાની’થી છૂટી જાય છે. અને, મોટી વીજચોરીનાં આરોપીઓ તો આવી બાબતોમાં વધુ આસાની પ્રાપ્ત કરી શકતાં દેખાઈ રહ્યા છે ! આ પ્રકારનાં છૂટકારાઓ વિરુદ્ધ અપીલ પણ કયારેક જ દાખલ થતી હોય છે.
વીજકંપની દ્વારા અપીલ મુદે વડી અદાલતે એક મહત્ત્વની વાત જણાવી છે. વડી અદાલતે કહ્યું છે : આવા કેસોમાં અપીલ દાખલ કરવા વીજકંપનીએ અદાલતની મંજૂરી લેવાની પણ જરૂર નથી. ગોધરાનો એક વીજચોર સ્થાનિક અદાલતમાં છૂટી ગયો હતો, પછી વીજકંપનીએ અપીલ દાખલ કરવા પરવાનગી માંગી ત્યારે વડી અદાલતે આ સ્પષ્ટતા કરી.
વડી અદાલતે કહ્યું : વીજકંપની પ્રોસિકયુટીંગ એજન્સી નથી એવી રજૂઆત આ કેસમાં ન કરી શકે. વીજચોરીનાં કેસમાં વીજકંપની ભોગ બનનાર છે, વિકટીમ છે, મંજૂરી વિના જ, અપીલ દાખલ કરવાનો અધિકાર ધરાવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સામાન્ય રીતે વીજતંત્રનાં સરકારી અધિકારીઓ આ પ્રકારના કેસોમાં અપીલ દાખલ કરવાથી દૂર રહેતાં હોય છે.