Mysamachar.in:અમદાવાદ
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવી આસાન બાબત નથી. જો તમે એકદમ સામાન્ય વ્યક્તિ છો, તો આ પ્રક્રિયા વધુ અઘરી બની જતી હોય છે ! મોટેભાગે તમને સમજાવી દેવામાં આવે છે કે, અરજી આપી દો. જોઈ લેશું. પોલીસ પ્રજાની મિત્ર છે – એવું બોર્ડમાં લખેલું, પત્રકાર પરિષદમાં બોલાયેલું અને સરકારી કાર્યક્રમોમાં ઉલ્લેખ પામતું ઘણી વખત વાંચવા અને સાંભળવા મળે પરંતુ પીડિતોને પોલીસ સ્ટેશનનો અનુભવ બહુ સારો નથી હોતો ! રેકર્ડ પર ક્રાઈમ રેટ ઘટાડવા અને અન્ય જાણીતાં કારણોસર, મોટાભાગના કિસ્સાઓમાં ફરિયાદીને વેલકમ કરવાને બદલે કે સહયોગ આપવાને બદલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સાથે અલગ જ પ્રકારનું વર્તન થતું હોય છે, જે અદાલતોને અને સરકારોને પણ ખબર હોય છે ! તેથી જ અદાલતો અવારનવાર પોલીસને ફરિયાદ નોંધવા મુદ્દે ટપારતી હોય છે.
વધુ એક વખત ખુદ હાઈકોર્ટે સરકાર તથા પોલીસને કહેવું પડ્યું છે કે, ફરિયાદો નોંધવામાં આનાકાની ન થવી જોઈએ. તાજેતરમાં એક નિવૃત્ત IPSનાં પુત્રનાં પરાક્રમોનો મામલો પોલીસ અને હાઈકોર્ટમાં પહોંચ્યો છે. નિવૃત્ત આઇપીએસ બી.એસ.જેબલિયાના પુત્ર નિરવ વિરૂદ્ધ છેતરપિંડી સહિતની ફરિયાદો મળી છે. પરંતુ આ કિસ્સાઓમાં પોલીસે ફરિયાદીઓ સાથે યોગ્ય વર્તન ન દાખવીને આરોપીને બચાવવાનો આડકતરો પ્રયાસ કર્યો હતો એવું અદાલત આ મામલાઓ પરથી સમજી ગઈ.
આથી હાઈકોર્ટે સરકારને અને રાજયભરનાં પોલીસવિભાગને નિર્દેશ આપ્યો છે કે, ફરિયાદ લેવામાં પોલીસ દ્વારા આનાકાની થાય એ યોગ્ય નથી. પોલીસે કોઈ પણ સામાન્ય વ્યક્તિને પોલીસ સ્ટેશનનાં ધક્કા ખવડાવવા ન જોઈએ. પોલીસે ફરિયાદ નોંધવામાં બેદરકારી કે નિષ્કાળજી ન દાખવવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, નિરવ જેબલિયા મામલામાં હાઈકોર્ટ તરફથી કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશન જશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે, એવી વાત સરકાર વતી પબ્લિક પ્રોસિકયુટરે હાઈકોર્ટમાં કરતાં હાઈકોર્ટે સ્પષ્ટતા કરી કે, આ એક મામલા પૂરતી વાત નથી. સમગ્ર રાજ્યમાં દરેક પોલીસ સ્ટેશન આ બાબતે સજાગ રહે એવું હાઈકોર્ટ ચાહે છે.