Mysamachar.in:અમદાવાદ
જામનગરનો વતની એક વેપારી હાલ અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારમાં રહે છે. અને, જામનગરનો જ અન્ય એક વેપારી હાલ આફ્રિકામાં કોન્ગો ખાતે વસવાટ કરે છે. આ બે વેપારીઓએ એક ખોટી કંપની ઉભી કરી, એક વચેટિયા મારફતે દૂબઈની એક પેઢીને રૂ. 2.16 કરોડનો ચૂનો લગાવ્યો છે. એવું અમદાવાદ ખાતે નોંધાયેલી એક પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
અમદાવાદનાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી એક ફરિયાદમાં જણાવાયું છે કે, મૂળ જામનગરનાં અને હાલ અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારમાં રહેતા નિમીષ કિરીટભાઇ દાવડા અને જામનગરનાં વતની તથા કોન્ગો ખાતે રહેતા વિનય હસમુખભાઈ દાવડા નામની બે વ્યક્તિઓએ સંજય શાહ નામનાં વ્યક્તિનાં માધ્યમથી, બનાવટી કંપની ઉભી કરી – ભારતથી તાન્ઝાનિયા ખાતે 520 ટન ચોખા મોકલવાનો ઓર્ડર મેળવ્યો હતો. બાદમાં, આ શખ્સોએ એડવાન્સ નાણાં મેળવ્યા પરંતુ ચોખા ન મોકલી, ખરીદદાર પાર્ટી સાથે ઠગાઈ કરી છે.
ફરિયાદમાં જણાવાયું છે કે, જેતે સમયે દૂબઈની એક કંપનીએ કોન્ગો ખાતે રહેતા વિનય દાવડાને કહ્યું હતું કે, તાન્ઝાનિયા ખાતે ચોખા મોકલવાનો ઓર્ડર છે. વિનયે કંપનીને વિશ્વાસ અપાવ્યો હતો કે, મારો ભાઈ નિમિષ ભારતમાં આયાતનિકાસ કમિશન એજન્ટ તરીકે કામ કરે છે. 2020નાં સપ્ટેમ્બર મહિનામાં આ બાબતે તેઓ બધાં વચ્ચે ટેલિફોનીક વાતચીતો થયેલી અને કંપનીએ તાન્ઝાનિયા ખાતે ચોખા મોકલવાનું કામ સંજય શાહ સહિતના આ લોકોને આપ્યું.
બાદમાં આ કામ પેટે કંપનીએ કટકે કટકે કુલ 2,96,400 ડોલર (રૂ. 2.16 કરોડ) ઓર્ડર પેટે એડવાન્સ ચૂકવ્યા હતા. એમ જણાવી ફરિયાદમાં જણાવ્યું છે કે, દરમિયાન કોરોના સહિતની બહાનાબાજી કરી, આ ચોખા તાન્ઝાનિયા મોકલવામાં આવ્યા ન હતાં. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ચોખા માટે બનાવવામાં આવેલી પેઢી વિનાયક કોર્પોરેશન તેનાં દર્શાવેલા સરનામે મળી આવી નથી. દાવડાબંધુઓએ બનાવટી પર્ફોર્મા ઇન્વોઈસ બનાવીને એડવાન્સ પેટે આ રકમ મેળવી લઈ કંપની સાથે છેતરપિંડી કરી છે, એવું ફરિયાદ કહે છે. આ આખા મામલામાં અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં શ્યામલ બાલકૃષ્ણભાઈ સોનીને ફરિયાદ નોંધાવવાની સતા રાજન સુરેશચંદ્ર કારિયાએ આપી છે. રાજન કારિયા દૂબઈ ખાતે ટ્રાન્સવર્લ્ડ ટ્રેડિંગ નામની કંપની ચલાવે છે.