Mysamachar.in:અમદાવાદ
જામનગરનાં એક અધિકારી આમ ખૂબ સુખી જિંદગી વિતાવે છે પરંતુ તેઓનો ઘરનો મામલો ‘છાપરે’ ચડ્યો છે. આ અધિકારી જામનગર નજીકના SEZ વિસ્તારમાં ફરજ બજાવતા કેન્દ્ર સરકારનાં અધિકારી છે, જેમનાં પત્નીએ અમદાવાદ માથે લીધું, તેથી પોલીસ ફરિયાદ પણ થઇ છે. જામનગર નજીકના રિલાયન્સ SEZ માં કસ્ટમ વિભાગમાં ફરજ બજાવતા અભિષેક નામનાં આ અધિકારી અગાઉ અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતાં. 2022થી અહીં છે. આ અધિકારી અને તેમનાં પત્ની નૂતનબહેન લાંબા સમયથી ઝઘડે છે. અલગ રહે છે. અને, છૂટાછેડાની ગતિવિધિઓ પણ ચાલી રહી છે.
નૂતન નામનાં આ મહિલા છેલ્લાં એક મહિનાથી અમદાવાદ કસ્ટમ કમિશનર કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે. તેઓ કમિશનરને મળવા ઈચ્છે છે. હવે તેઓ ઈચ્છે છે કે, તેઓનાં પતિ અભિષેકની બદલી જામનગરથી અમદાવાદ કસ્ટમમાં કરવામાં આવે. તેઓએ કસ્ટમ તંત્રને એવી પણ ધમકી આપી હતી કે, મારાં પતિની અમદાવાદ બદલી નહીં કરવામાં આવે તો હું આપઘાત કરી લઈશ. તેણીએ કસ્ટમ અધિકારીઓ પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેણીએ કસ્ટમ અધિકારીઓની કાર રોકવાના પણ પ્રયાસો કર્યા છે ! અને તેઓએ અમુક સરકારી કર્મચારીઓની નોકરી લઈ લેવાની પણ ધમકીઓ આપી હતી ! ટૂંકમાં, પતિવિયોગ પછી આ મહિલાને માનસિક અસરો મોટાં પ્રમાણમાં પહોંચી હોવાનું જાણવા મળે છે. અમદાવાદ કસ્ટમે આખરે કંટાળીને આ મહિલા વિરૂદ્ધ અમદાવાદનાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.