Mysamachar.in:અમદાવાદ
ગુજરાતમાં શિક્ષણની ઘોર ખોદી નાખવામાં આવી છે, એ મતલબનો ચોંકાવનારો ખુલાસો કરીને કોન્ગ્રેસનાં પ્રવક્તાએ કેટલાંક આંકડા પણ આપ્યા છે જે ચિંતા ઉપજાવી શકે એવા છે.
કોન્ગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું છે કે, રાજ્યમાં શિક્ષકોનું મહેકમ ઘટાડી નાખવામાં આવ્યું છે. અંદાજે 41000 શિક્ષકોનું મહેકમ ઘટી ગયું. તેની સામે અન્ય રાજ્યોમાં શિક્ષકોનાં મહેકમમાં વધારો કરવામાં આવ્યો છે. તેઓએ આ આંકડા આપ્યા છે. તેઓએ જણાવ્યું કે, રાજયની 1,657 સરકારી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે ! શિક્ષકો જ ન હોય તો બાળકોને અભ્યાસ કોણ કરાવે ? વર્ષ 2022/23ની સ્થિતિએ ગુજરાતમાં ધોરણ 1 થી 8 માં 19,963 શિક્ષકોની જગ્યા ખાલી છે. જેનાં કારણે સંખ્યાબંધ શાળાઓને તાળાં લાગ્યા અથવા મર્જ કરવી પડી. બીજી બાજુ ખાનગી શાળાઓની સંખ્યા વધી રહી છે અને ત્યાં મોંઘીદાટ ફી વસૂલવામાં આવે છે, આ સ્થિતિમાં વાલીઓ પોતાના બાળકોને ભણાવે કેવી રીતે ?!
ગુજરાતની સરખામણીએ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં શિક્ષકોનું મહેકમ વધુ છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં મહેકમ વધારવામાં પણ આવ્યું. ગુજરાતમાં શિક્ષકોની હાલત કફોડી બની છે. ગુજરાતની વસતિ 4 કરોડ હતી ત્યારે જે શાળાઓની સંખ્યા અને મહેકમ હતું તે આજે વસતિની સરખામણીએ સતત ઘટયું છે. શાળાઓની સંખ્યા પણ ઘટી છે. બીજી બાજુ વિદ્યાર્થીઓની સંખ્યા વસતિ વધવાથી એકંદરે વધી છે. મનિષ દોશી કહે છે: ખાનગી શાળાઓને પ્રોત્સાહન મળે અને સરકારી શિક્ષણનો ખો નીકળે તે પ્રકારનું સુનિયોજિત કાવતરું ગાંધીનગરનાં ઈશારે ચાલી રહ્યું છે.