Mysamachar.in:અમદાવાદ
ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરુ થઇ ગયો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી પાંચ દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, હવામાન વિભાગની (IMD) આગાહી અનુસાર, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. આ વચ્ચે હવે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની સ્થાનિક હવામાન વિભાગે આગાહી કરી છે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વરસાદને લઈને જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. આ 5 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. તેમણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલેશનના કારણે વરસાદની શક્યતા છે. આ અંગેનું કારણ રજૂ કરીને ડૉ. મોહંતીએ કહ્યું છે કે, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર સર્ક્યુલેશન બનેલું છે, આ સાથે ઓફશોર ટ્રોફ પણ એક્ટિવ છે જેના કારણે ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ સિવાય પૂર્વપશ્ચિમનું શિયર ઝોન પણ આગળ વધવાની શક્યતાઓ છે જેના લીધે પણ સમગ્ર ગુજરાત રાજ્યને વરસાદ મળવાની સંભાવનાઓ છે.
7 અને 8 જુલાઈ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે (7 જુલાઈ)એ અમરેલી, ભાવનગર અને આણંદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે અમરેલી, ભાવનગર, આણંદમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.
આ ઉપરાંત હવામાન ખાતા દ્વારા 8 જુલાઈએ કચ્છ અને જામનગરમાં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણમાં યેલો એલર્ટ અપાયું છે. આવતીકાલે કચ્છ અને જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.