Mysamachar.in:અમદાવાદ
શરાબની પરમિટ અને હથિયાર માટેનું લાયસન્સ – આ બંને મુદ્દાઓ કાયમ ચર્ચામાં રહેતાં હોય છે. કેમ કે, આ પ્રકારની બાબતોમાં અરજદારોએ જુદાંજુદાં કોઠા વીંધવા પડતાં હોય છે અને તંત્રોની આ બાબતોમાં પ્રતિષ્ઠા સારી નથી હોતી એવો મોટાભાગના લોકોનો અનુભવ હોય છે, આ સ્થિતિમાં રાજયની વડી અદાલતે આપેલો એક ચુકાદો મહત્વનો પૂરવાર થયો છે.
વડી અદાલતે એક ચુકાદામાં ઠરાવ્યું છે કે, હથિયારનો પરવાનો આપવાની પ્રક્રિયામાં અરજદારની આવકનો પુરાવો આખરી નિર્ણય લેવા માટેનો મુદ્દો નથી. આ ઉપરાંત એમ પણ કહેવાયું છે કે, અરજદારને ધમકી મળી છે કે કેમ ? તેનો પુરાવો રેકર્ડ પર છે કે કેમ ? એ બાબત પર ભાર ન મૂકાવો જોઈએ. અરજદારના જિવ પર જોખમ છે કે કેમ ? તે બાબતને પ્રાથમિક અને મહત્વની લેખીને પરવાનો આપવા અંગેનો નિર્ણય લેવો જરૂરી છે.
રાજકોટ જિલ્લામાં એક અરજદારે હથિયારનો પરવાનો મેળવવા માટેની અરજી કરી હતી. તેની પાસેથી નિયમો અનુસાર, ઈન્કમટેકસનાં પાછલાં ત્રણ વર્ષનાં રિટર્ન માંગવામાં આવ્યા હતાં. બાદમાં સ્થાનિક તંત્રએ એટલે કે રાજકોટ કલેક્ટર (જિલ્લા મેજિસ્ટ્રેટ) (કમિશનરેટ હોય ત્યાં કમિશ્નરને પણ સતા છે) દ્વારા આ અરજદારને હથિયારનો પરવાનો આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે, કોઈ ધંધાકીય વિસ્તરણ નહીં હોવાથી નાણાંકીય જોખમની વાત જણાતી નથી. આ મુદ્દાને આધાર બનાવીને હથિયારનો પરવાનો આપવાનો તંત્ર દ્વારા ઈન્કાર કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે કલેક્ટરના આ હુકમને રદ્ કર્યો છે. અને આઠ દિવસમાં આ અરજદારની અરજી ફરીથી સ્વિકારી પ્રક્રિયા નવેસરથી પૂર્ણ કરવા આદેશ આપ્યો છે.
અત્રે નોંધનીય છે કે, અદાલતમાં આ કાર્યવાહી દરમિયાન કહેવાયું હતું કે – સતાવાળાઓએ અરજદારના જીવને જોખમ છે કે કેમ ? એ જ મુદ્દો ધ્યાનમાં રાખવાનો હોય છે. આવક અને ઈન્કમટેકસનાં રિટર્નનાં આધારે, હથિયારનો પરવાનો આપવાનો ઈન્કાર કરવો એ આર્મ્સ એક્ટની કલમ-14 નો ભંગ છે. આ ઉપરાંત અદાલતે એમ પણ કહ્યું હતું કે, અરજદારને ધમકી મળી છે કે કેમ ? તેનો પુરાવો ચકાસવો પણ ફરજિયાત નથી.