Mysamachar.in:અમદાવાદ
હવામાન વિભાગની આગાહી મુજબ જ આ વર્ષે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જામનગર શહેરમાં આજે જળબંબાકાર જેવી સ્થિતિ છે, એવામાં હજુ આટલે જ નથી અટકતું, હજુ પણ વરસાદ આવશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતભરમાં મેઘમહેર જોવા મળી રહી છે.
હવામાન વિભાગના ડાયરેકટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુંલેશનથી રાજ્યમાં આગામી 24 કલાક વરસાદ રહેશે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. આવતીકાલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામન્ય વરસાદની સંભાવના છે. તો નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદમાં ભારે વરસાદની આગાહી રહેલી છે. જ્યારે જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી રહેલી છે. અત્યાર સુધી જેટલો પડવો જોઈએ તેના કરતાં રાજ્યમાં 107 ટકા વધુ વરસાદ પડ્યો છે.