Mysamachar.in:અમદાવાદ
પતિ પત્નીનો સાથ સાત જન્મોનો હોય છે, અને એકબીજાના સુખે સુખી અને દુખે દુઃખી થવાના કોલ આપનાર બન્નેમાંથી એકની નીતિમાં ખોટ આવે તો સંસારની પથારી ફરી જાય… ક્યારેય કોઈ પત્ની તેના જ પતિને ધીમું ઝેર આપીને મારી નાખવાનું કાવતરું કરે છે તેવી વાત સામે આવે ત્યારે ઘડીકભર વિશ્વાસ ના થાય પણ આ ઘટના ગુજરાતના મેટ્રો સીટી અમદાવાદના નિકોલ વિસ્તારમાં સામે આવી…. પોતાના જ પ્રેમીને પામવા માટે પત્નીએ પતિને મોતને ઘાટ ઉતારી દેવાનો આ પ્લાન બનાવ્યો પણ તેમાં તે સફળ ના થઇ અને તેનો ભાંડાફોડ થઇ ગયો છે. પત્નીએ પતિના પ્રોટીન શેકમાં ઉંઘની ગોળી આપતી હતી. આ ઓછું હતું ત્યાં તે એક્સપાયરી થયેલી દવાઓ સહિતના કેટલાય કેમિકલ નાંખીને પતિને આપતી હતી.
વાત એવી છે કે અમદાવાદના નિકોલ વિસ્તારમાં બનેલી આ ઘટના છે. જેમાં વર્ષ 2010 માં એક યુવતીના લગ્ન એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ 2011 ના વર્ષમાં તેમના પરિવારમાં પુત્રનુ આગમન થયુ હતું. લગ્નના પહેલા દોઢ વર્ષ તો બધુ સારુ ચાલ્યું, પરંતુ તેના બાદ બંને વચ્ચે તકરાર વધવા લાગી. આ બાદ પતિની તબિયત ધીરે ધીરે ખરાબ થવા લાગી હતી. તેને વારંવાર ઊંઘ આવતી હતી. આ દરમિયાન પતિ સૂતો હતો, ત્યારે તેની પત્ની ન્હાવા ગઈ હતી. તે સ્નાન કરીને બહાર આવી, તેના બાદ પતિ બાથરૂમમાં ગયો હતો. જ્યાં તેની નજર એક ફોન પર ગઈ હતી. આ ફોન પત્નીનો ન હતો. અજાણ્યો ફોન ચેક કરતા જ પતિના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
પતિએ ફોનમા નંબર ચેક કરતા તેમાં એક અજાણ્યો નંબર હતો. જેના વોટ્સએપ ચેટમાં લખ્યુ હતું કે, આજે 5 ગોળી આપી છે. હવે થોડા સમયમાં પૂરો થઈ જશે. આ મેસેજ બાદ પતિ ગભરાઈ ગયો હતો. તેણે પરિવારને જાણ કરી હતી. જેના બાદ પત્નીની કરતૂતનો ભાંડો ખૂલ્યો હતો. વાત આટલેથી જ પૂરી ના થતા પરિવારની સામે પત્નીએ કબૂલ્યુ કે, તે છેલ્લા કેટલાક મહિનાથી અન્ય એક યુવકના પ્રેમમાં હતી. તેથી તે તેના પતિને આ રીતે પતિને સ્લો પોઈઝન આપતી હતી. પત્નીની આ કબૂલાત સાંભળી પરિવારજનોના હોંશ ઉડી ગયા હતા. આખરે પતિએ કોર્ટમાં છુટાછેડા માટે અરજી કરી હતી. બંને પક્ષની સંમતિ હોવાથી કોર્ટે છૂટાછેડા માટે મંજૂરી આપતા આ મામલા પર હાલ પુરતું પૂર્ણ વિરામ મુકાયું છે.