Mysamachar.in:અમદાવાદ
વિરોધ પ્રદર્શન લોકતંત્રનો એક અનિવાર્ય હિસ્સો છે. જો કે સરકારનો કાયદો એમ કહે છે કે, વિરોધ પ્રદર્શન નોંધાવવા – પોલીસની એટલે કે સરકારની મંજૂરી લેવી ફરજિયાત છે. મોટાભાગના કિસ્સાઓમાં પોલીસ આ પ્રકારની મંજૂરીઓ આપતી હોતી નથી. પરંતુ ખૂબીની વાત એ છે કે, જે નિયમોને આધાર બનાવીને પોલીસ આવી અરજીઓ નામંજૂર કરે છે, એ નિયમો કયા છે ? અને ક્યાં છે ? એવો પ્રશ્ન અદાલતે પૂછયો, તો પોલીસ કહે છે – નિયમો હાલ હાથવગા નથી ! અમે આ નિયમો (ચોપડામાં) શોધીએ છીએ.
રાજયની વડી અદાલતે આ મુદ્દા પર પોલીસને સારી એવી કસરત કરાવી છે. ધરણાં, પ્રદર્શન કે દેખાવો કરવા માટે મંજૂરી મેળવવાની પ્રક્રિયા અને મંજૂરીઓ ન આપવા માટેનાં નિયમો શું છે ? એ વિગતો એક અરજદારે પોલીસ પાસે માંગ્યા હતા પરંતુ પોલીસે અદાલતનાં આદેશ પછી પણ અરજદારને આ નિયમોની જાણકારી ન આપતાં આ અરજદારે હાઈકોર્ટમાં, અદાલતની અવમાનના અંગેની અરજી દાખલ કરી હતી, જે અરજી ચાલવા પર આવતાં વડી અદાલતે અમદાવાદ પોલીસને ખૂબ કસરત કરાવી અને સ્પષ્ટ પ્રશ્નો પૂછ્યા.
પોલીસ તરફથી આ કેસમાં એડવોકેટે વડી અદાલતને એમ કહ્યું કે, ઉપરોક્ત નિયમો પોલીસને હાલ મળી રહ્યા નથી. આ જવાબ સાંભળીને અદાલતે અચરજ વ્યક્ત કર્યું. વડી અદાલતે પોલીસ કમિશનરને નોટિસ મોકલી, આ કેસની વધુ સુનાવણી ત્રીજી જુલાઈએ નિયત કરી છે.
પોલીસ વિભાગે અદાલતમાં એમ કહ્યું કે, આવા કોઈ નિયમો નથી એવું નથી પરંતુ આ નિયમો પોલીસને મળતાં નથી. પોલીસ આ નિયમો શોધી રહી છે. આ માટે રાજ્યનાં ગૃહવિભાગ પાસેથી જાણકારીઓ મેળવવામાં આવી રહી છે. અદાલતે પોલીસને કહ્યું : છેલ્લાં છ મહિનાથી તમે નિયમો શોધી રહ્યા છો. તમને આ નિયમો મળતાં નથી. અમે તમને 10 દિવસનો સમય આપીએ છીએ. સોગંદનામું રજૂ કરો અને તમે શું શોધ્યું ? એ પ્રશ્નનો જવાબ આગામી સુનાવણીમાં રજૂ કરજો.