Mysamachar.in:અમદાવાદ
જૂન મહિનામાં બીજાં પખવાડિયાનાં પ્રારંભે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બિપરજોય નામનું વાવાઝોડું મહેમાન બની જતાં, સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું વિધિસર આગમન વિલંબમાં મૂકાયું હોવાની સ્થિતિ પેદાં થઈ છે. આમેય, આ વર્ષે કેરળમાં દક્ષિણ પશ્ચિમનાં એટલે કે નૈઋત્યનાં ચોમાસાનો વિલંબથી પ્રારંભ થયો હતો એટલે સમગ્ર દેશની સાથે ગુજરાતે પણ મેઘરાજાનો ઈંતજાર તો કરવો જ પડશે !
રાજ્યનાં હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, આગામી બેચાર દિવસ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચોમાસાનાં પ્રારંભના અણસાર નથી. તાપી અને ડાંગ સહિતના બેચાર જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી શકે છે અને એ પણ છૂટાછવાયા વિસ્તારોમાં. આ ઉપરાંત અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં પણ સામાન્ય ઝાપટાં પડી શકે છે. જો કે ઓન એન્ડ એવરેજ ચોમાસાનાં વિધિવત્ પ્રારંભ પૂર્વેની હાલ કોઈ સિસ્ટમ દેખાઈ રહી નથી.
અન્ય એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કેરળમાં 1 જૂનના બદલે 8 જૂને ચોમાસું શરૂ થયું અને વચ્ચે, ગુજરાતમાં વાવાઝોડું ફૂંકાયું તેને પરિણામે નિયમિત ચોમાસું હજુ સુધી પોતાનું ઓરિજિનલ સ્વરૂપ ધારણ કરી શક્યું નથી. વળી, મુંબઈ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં હજુ ચોમાસું જામ્યું ન હોય, ગુજરાતને ભીંજાવા માટે હજુ રાહ જોવી પડશે ! આ વર્ષે મેઘરાજા મોંઘેરા મહેમાન સાબિત થવાની સંભાવના વધુ છે કેમ કે, હજુ મહારાષ્ટ્રમાં રત્નાગીરી નજીક ચોમાસું સ્થિર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જો કેરળમાં ચોમાસું પહેલી જૂને શરૂ થાય અને વચ્ચે વાવાઝોડું ત્રાટકે નહીં તો જ, ગુજરાતમાં 15-20 જૂન વચ્ચે વરસાદનો પ્રારંભ થઈ શકે, પરંતુ આ વર્ષે આ સંભાવનાઓનો છેદ ઊડી ગયો હોય, ખેડૂતવર્ગમાં ચિંતા જોવાઈ રહી છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તથા ગુજરાતમાં જળાશયોમાં પીવાનાં અને સિંચાઈના પાણીની સ્થિતિ પણ બહુ સારી નથી, એ વધારાની ચિંતા લેખાવી શકાય.