Mysamachar.in:અમદાવાદ
પિઝાનો આઉટલેટધારક જો તમને એવાં બોક્સમાં પિઝા પાર્સલ આપે કે જે બોક્સ પર તેની જાહેરાત હોય અને તમારી પાસેથી એ બોકસનાં જો તે નાણાં વસૂલે (ધારો કે દસબાર રૂપિયા) તો તેને બોકસનાં નાણાં આપવાનો ઈનકાર કરી દેજો અને પિઝાનાં તે આઉટલેટ પર કેસ ઠપકારો, એ આઉટલેટને રૂ.10,000 સુધીનો દંડ થઈ શકે છે. આવા એક કેસમાં એક આઉટલેટ ધારકને રૂ.10,000 નો દંડ થયો છે. આ દંડ ગ્રાહક ફોરમ દ્વારા કરવામાં આવ્યો છે.
આ કેસમાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમે પિઝા આઉટલેટધારકને હુક્મ કર્યો છે કે, ગ્રાહક પાસેથી બોકસનાં જે 12 રૂ. વસૂલવામાં આવ્યા છે તે પરત આપો. માનસિક પરેશાની પેટે ગ્રાહકને રૂ.3,000 ચૂકવો. ગ્રાહકને આ અરજી તથા કાર્યવાહીનો ખર્ચ ચૂકવો અને ગ્રાહક કલ્યાણ ફંડમાં રૂ.10,000 જમા કરાવો. આ ગ્રાહકે પિઝા આઉટલેટધારકને પિઝાનાં બિલ પેટે રૂ.263 ચૂકવ્યા હતાં જેમાં આઉટલેટધારકે બોકસનાં રૂ.11.95 વસૂલ કર્યા હતા.
આ ઓર્ડરમાં કહેવાયું છે કે, જે ગ્રાહક ગરમ પિઝાનું પાર્સલ લઈ જાય છે તે આઉટલેટધારકની જગ્યાનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો તથા સર્વિસનો લાભ લેતો નથી. ગરમ પિઝા તે હાથમાં ન લઈ જઈ શકે, તેથી આઉટલેટધારકે આ ગ્રાહકને પૂંઠાનું બોકસ આપવું જોઈએ. આ આવશ્યક સેવા છે. આઉટલેટધારકે આપેલી સેવામાં, આ કેસમાં ખામી છે. તેથી દંડ કરવામાં આવે છે. આઉટલેટધારકે એવી પણ દલીલ કરી હતી કે, બોકસનો ચાર્જ લેવામાં આવશે એવી સૂચના બોકસ પર છાપેલી છે. ફોરમે કહ્યું : આ સૂચના બહુ નાનાં અક્ષરે છે. ગ્રાહક નોટિસ પણ ન કરી શકે. અને બોકસનો ચાર્જ કેટલો લેવામાં આવશે ? તે સ્પષ્ટતા પણ નથી. આ પ્રકારની સ્પષ્ટ સૂચના આઉટલેટ પર ગ્રાહક વાંચી શકે તે રીતે લખવી જોઈએ.