Mysamachar.in:અમદાવાદ
મોટેરાંઓ અને બાળકોમાં સ્માર્ટફોનની આદત ડ્રગ્સ જેવું કાળઝાળ વ્યસન બનતું જાય છે ! જેને પરિણામે સમાજમાં અસંખ્ય માઠાં પરિણામો સામે આવી રહ્યા છે અને ગુનાઓની સંખ્યા પણ વધવા પામી છે. નવાં પ્રકારનાં ગુનાઓ પણ સ્માર્ટફોનને કારણે મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે ! આપણે સૌએ વેળાસર જાગવું પડશે. અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં રહેતી 45 વર્ષની એક મહિલાએ પોતાના ઘરમાં વારંવાર નોટિસ કર્યું કે, ઘરમાં ખાંડ માટેની બરણીમાં જંતુનાશક પાઉડર મળી આવે છે ! અને, બાથરૂમમાં ફલોર પર ફિનાઈલ જેવું પ્રવાહી વારંવાર ઢોળાયેલું મળી આવે છે ! બાદમાં તેણીને ખ્યાલ આવ્યો કે, આ તમામ પરાક્રમ તેની 13 વર્ષની દીકરીએ કર્યા હતાં ! આ બાળકી પોતાની મમ્મી મરી જાય તેવું ઈચ્છી રહી છે ! કેમ કે, મમ્મીએ આ દીકરી પાસેથી ફોન આંચકી લીધો હતો તેથી આ બાળકી બદલો લેવા ચાહતી હતી !
આ સમસ્યાનાં નિરાકરણ માટે આ મહિલાએ પોલીસ વિભાગનું ધ્યાન દોરી, કાઉન્સેલિંગ માંગ્યું ! પોલીસને પણ વાત સાંભળી અચરજ થયું. અભ્યમ વુમન હેલ્પલાઇન 181 નાં કાઉન્સેલર કહે છે : આ બાળકી તથા તેની માતા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે, આ બાળકી પોતાની મમ્મીને ઈજાઓ પહોંચાડવા અથવા મારી નાંખવા ઈચ્છતી હતી ! બાળકી ઈચ્છતી હતી કે, મમ્મીનાં ખોરાકમાં ઝેર ભળે અથવા બાથરૂમમાં મમ્મી પડે તો માથામાં ગંભીર ઈજા થાય, મમ્મીનું મોત થાય ! બાળકી આવું એટલાં માટે ઈચ્છતી હતી કેમ કે, થોડાં દિવસો પહેલાં તેની મમ્મીએ આ બાળકી પાસેથી ફોન આંચકી લીધો હતો અને પછી પરત આપ્યો જ ન હતો તેથી આ બાળકી અકળામણ અનુભવતી હતી.
આ બાળકીનાં માતાપિતા કહે છે, તેમની દીકરી ફોનમાં સોશિયલ મીડિયા પર રાત્રે મોડે સુધી અને ઘણી વખત તો સવાર સુધી બિઝી રહે છે ! બહેનપણીઓ સાથે ચેટ કરતી રહે છે. રિલ જોયે રાખે છે. જેને કારણે તેનાં અભ્યાસ, આરોગ્ય અને તેની સોશિયલ લાઈફ પર માઠી અસરો જોવા મળી રહી છે તેથી અમોએ તેની પાસેથી ફોન આંચકી લીધો હતો.
આંકડા કહે છે : 2020 પછી સમગ્ર સમાજમાં ફોન અને સોશિયલ મીડિયા એડિકશનમાં અંદાજે 400 ટકાનો ઉછાળો નોંધાયો છે. અમદાવાદ અભ્યમ હેલ્પલાઇનને દરરોજ સરેરાશ 15 ફોન એવાં મળે છે જેમાં સોશિયલ મીડિયાને કારણે કોઈ ને કોઈ ઇસ્યુ થયો હોય. આ પ્રકારના કોલ પૈકીનાં પાંચમા ભાગનાં એટલે કે, 20 ટકા ફોન માતાપિતા દ્વારા હેલ્પલાઇનને કરવામાં આવ્યા હોય અને આ માબાપો પોતાનાં 18 વર્ષથી ઓછી વયના બાળકોની ફરિયાદ કરતાં હોય છે ! સમગ્ર રાજ્યમાંથી હેલ્પલાઇનને આ પ્રકારના જે કોલ થાય છે તે પૈકી 50 ટકા કોલ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટથી થાય છે !
હેલ્પલાઇન કહે છે : કોવિડ સમય પછી લોકોમાં ફોન એડિકશન બહુ વધ્યું છે. લોકો સોશિયલ મીડિયા પર બહુ વધારે સમય વિતાવે છે. બાળકોની માફક મોટેરાંઓ પણ આ વ્યસનનો ભોગ બની રહ્યા છે. સોશિયલ મીડિયાને કારણે લોકોમાં મૂડ વારંવાર ચેન્જ થવાનું પ્રમાણ વધ્યું છે. ઓનલાઇન રોમાન્સનું પ્રમાણ અકલ્પનીય હદે વધી ગયું છે. બિનજરૂરી, લાંબી ચેટસ થઈ રહી છે. જે ઘણાં કિસ્સાઓમાં સંબંધો વણસાવે છે. જે ઘણી વખત ગુનાઓને પણ જન્મ આપે છે. બાળકો ઘર છોડીને ભાગી જતાં હોય એવા બનાવો વધ્યા છે. ઝઘડાઓ વધ્યા છે. ઓનલાઇન સતામણીનાં કિસ્સાઓ અને તેને કારણે ઓફલાઈન હુમલાઓ પણ વધ્યા છે. માબાપો અને વડીલો ફોન બાબતે બાળકો અથવા મોટાં સંતાનોને ઠપકો આપે છે ત્યારે માબાપો અને વડીલો પર હુમલા કે આપઘાત જેવાં કેસ પણ વધી રહ્યા છે ! બ્લેકમેઈલીંગનાં બનાવો (ખાનગી ચેટ તથા ફોટોઝ અને વીડિયોઝ વાયરલ કરવાની ધમકીઓ) પણ ખૂબ વધી રહ્યા છે. આ સ્થિતિ માત્ર મોટાં શહેરોમાં જ નથી, સમગ્ર ગુજરાતમાં આ મુદ્દો ગંભીર અને કાળઝાળ ચિંતાનો વિષય છે.