Mysamachar.in:અમદાવાદ
ગુજરાત હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે અને આવતીકાલે જામનગર સહિતના જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. અને સાથેસાથે આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની પણ સંભાવનાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તથા કચ્છ જિલ્લામાં કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત જામનગર, પોરબંદર અને મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
આ સાથે હવામાન વિભાગે આગાહી કરતાં એમ પણ કહ્યું છે કે, જામનગર અને દ્વારકા જિલ્લામાં આજે બુધવારે 65 થી 85 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉપરાંત એમ પણ કહ્યું છે કે, આવતીકાલે ગુરૂવારે દરિયાઈ ચક્રવાત વાવાઝોડાંનાં રૂપમાં કચ્છમાં ત્રાટકે તો, તે સમયે જામનગર અને દ્વારકા જિલ્લામાં પવનની ગતિ 125 થી 135 કિમી ની રહી શકે છે. જો કે આ તમામ આગાહીમાં માત્ર શક્યતાઓ જ દર્શાવવામાં આવી છે. સ્પષ્ટ આગાહી કરવામાં આવી નથી. સંભવિત વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, તા.13 થી તા.17 સુધીનાં ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે ? તે અંગે આગાહી કરવામાં આવી છે.