Mysamachar.in:અમદાવાદ
સૌ જાણે છે કે, રાજ્યનું વેટતંત્ર, ST-CST તંત્ર દાયકાઓ સુધી ભ્રષ્ટ અને ગોબરૂ રહ્યું. દેશભરમાં GST અમલમાં આવ્યા પછી પણ, આજની તારીખે VAT-CST અને એન્ટ્રી ટેક્સના લાખો કેસો પડતર છે ! જામનગર સહિત રાજ્યભરમાં કરોડોની વસૂલાત સરકાર નિપટાવી શકી નથી ! અને હવે, સમાધાનનો ‘ખેલ’ પાડવા ગોઠવણ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્યનાં નાણાંમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે, વેટ, સીએસટી અને એન્ટ્રી ટેક્સના અધિનિયમો હેઠળ ડીલરોને છેલ્લી તક તરીકે ‘રાહતયોજના’ આપવી જોઈએ. અત્રે નોંધનીય છે કે, આ પ્રકારના લાખ્ખો કેસ જામનગર સહિત રાજ્યભરમાં પડતર છે, જેમાં સરકારનાં કરોડો રૂપિયા બ્લોક છે. સંખ્યાબંધ કેસોમાં કાનૂની વિવાદો પણ છે. બાકી વસૂલાતો નિપટાવવામાં આવતી નથી. અને આવા કિસ્સાઓમાં ઘણું બધું બીજું પણ અંદરખાને ચાલતું રહે છે, એમ સૂત્રો જણાવે છે.
ગુજરાત ચેમ્બર પ્રમુખ પથિક પટવારીએ નાણામંત્રી કનુ દેસાઈ સમક્ષ લેખિત રજૂઆત કરી છે કે, જીએસટીનાં અમલથી કરપ્રણાલી વ્યવસ્થિત થવા પામી છે. પરંતુ હજુ સુધી વેટ, સીએસટી અને એન્ટ્રી ટેક્સના અધિનિયમો હેઠળ જૂની અપીલો અને વસૂલાતના સંખ્યાબંધ કેસો લાંબા સમયથી પડતર છે. તેઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે, કરવેરાના વિવાદોના નિરાકરણ માટે સરકાર દ્વારા 2019 માં એમનેસ્ટી યોજના લાવવામાં આવેલી પરંતુ વિવિધ કારણોસર આ યોજનાને જેતે સમયે સફળતા મળી ન હતી. આથી સરકારે છેલ્લી તક તરીકે ડીલરો સમક્ષ નવેસરથી એમનેસ્ટી સ્કીમ મૂકવી જોઈએ. દેશનાં અન્ય રાજ્યોમાં આ સ્કીમ મૂકવામાં આવે છે. ગુજરાતમાં પણ આ સ્કીમની સરકારે જાહેરાત કરવી જોઈએ.