Mysamachar.in:અમદાવાદ
આગ દઝાડતી ગરમીનો અનુભવ છેલ્લા બે ત્રણ દિવસથી લોકો કરી રહ્યા છે અને ગરમી હજુ આવી જ રહેશે અને આગામી 5 દિવસ સુધી લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે તેવી આગાહી રાજ્યના હવામાન વિભાગે કરી છે. અત્યાર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ સાઇક્લોનિક સર્ક્યુલેશનના કારણે ક્યારેક કમોસમી વરસાદ પડતો તો આંશિક વાદળછાયા વાતાવરણના કારણે ગરમીની અસર ઓછી રહેતી હતી, પરંતુ હવે આ પ્રકારનું હવામાન દૂર થતાં ગરમીનો પારો સતત ચઢી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં 3 દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 5 દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી છે. તાપમાનમાં હજુ પણ 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાથી આવી જ એક ધારી ગરમી યથાવત રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં આજે હિટવેવની આગાહી છે. સમગ્ર ઉત્તર ભારતમાં 42થી 44 ડિગ્રી સુધી તાપમાન ઉચકાવાની શક્યતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ સમગ્ર રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી, રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. આગામી દિવસમાં તાપમાનમાં ઘટાડો નહીં થાય પણ 1થી 2 ડિગ્રી વધી શકે છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી ગરમ પવન આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છુટાછવાયા વિસ્તારોમાં આજે હિટવેવની આગાહી છે. સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાન 42થી 43 ડિગ્રી રહેશે. તેમણે જણાવ્યું છે કે, આગામી 4-5 દિવસ રાજ્યના તમામ વિસ્તારમાં ગરમીનો પારો આજ મુજબ રહેશે.