Mysamachar.in:અમદાવાદ
સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતમાં તાપમાનનો પારો સરેરાશ 35 થી 42/43 ડિગ્રી રહેતો જોવા મળતો હોય છે પરંતુ આ વર્ષે તાજેતરનાં માવઠાંઓને કારણે તથા વાદળિયાં વાતાવરણને કારણે અત્યાર સુધી ગરમીનું પ્રમાણ એકંદરે સરેરાશ કરતાં ઓછું અનુભવવા મળ્યું. પરંતુ હવામાન વિભાગ કહે છે, આવતીકાલે મંગળવારથી રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો જમ્પ લગાવી શકે છે.
રાજયનો હવામાન વિભાગ કહે છે : 9 મેથી રાજ્યમાં તાપમાનનો મહત્તમ આંક 42/43 ડીગ્રી જોવા મળી શકે છે. સાથેસાથે કેટલાંક જિલ્લાઓમાં વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. આગાહી કહે છે : સૌરાષ્ટ્રમાં કેટલાંક વિસ્તારોમાં તથા ગુજરાતમાં વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે સોમવારે ગુજરાતમાં પાટણ, મહેસાણા અને અમદાવાદ જિલ્લાના વિસ્તારોમાં તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે. આ સિવાયનાં જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં આવતીકાલે મંગળવારથી મહત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી વધી શકે છે એમ જણાવી હવામાન વિભાગે કહ્યું છે કે, અમદાવાદમાં 42/43 ડિગ્રી તાપમાનની શક્યતા હોય યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લાં બે દિવસ દરમિયાન જામનગર જિલ્લામાં તાપમાનનો પારો બે ડિગ્રી કૂદકો લગાવી ચૂક્યો છે. 33.5 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાતુ હતું તે 35.5 ડિગ્રી નોંધાયું છે. સામાન્ય રીતે જામનગરમાં 37/38 ડિગ્રીથી વધુ તાપમાન ક્યારેક જ, આકરી ગરમીનાં દિવસોમાં નોંધાય છે. રાજ્યમાં ગરમીનો ટ્રેન્ડ વધવા સાથે જામનગરમાં 36/37 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. જો કે આપણો જિલ્લો દરિયાકિનારો ધરાવતો હોય, આપણે ગરમીમાં પ્રમાણમાં રાહત મેળવી શકીએ છીએ.