Mysamachar.in:અમદાવાદ
કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ મુજબ, ગુજરાત સરકારે નિર્ણય લઈ લીધો છે કે, આગામી જૂનથી જે શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે તેમાં જે બાળકને 6 વર્ષ પૂર્ણ થતાં હોય તે બાળકોને જ ધોરણ 1 માં પ્રવેશ આપવામાં આવશે. સરકારની આ જાહેરાતને કારણે, જામનગર સહિત રાજ્યભરમાં લાખો વાલીઓ ચિંતિત છે કે, તેઓનાં બાળકનું એક વર્ષ ફેઈલ જશે ! રાજય સરકારે જાહેર કર્યું છે કે, જે બાળકને 01-06-2023 (કટ ઓફ ડેટ) નાં દિને 6 વર્ષ પૂર્ણ થતાં હોય તે બાળકોને જ ધોરણ 1 માં પ્રવેશ આપવામાં આવશે. આ જાહેરાતનાં અનુસંધાને, એક વાલીએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. તેણે આ અરજીમાં કહ્યું છે કે, આ કટ ઓફ ડેટ પછીનાં કેટલાંક દિવસોમાં જો બાળકને 6 વર્ષ પૂર્ણ થઈ જતાં હોય તો તે બાળકોને ધોરણ 1 માં મીડટર્મ પ્રવેશ આપવો જોઈએ. આ પિટિશન પછી, વડી અદાલતે સરકારનો જવાબ મંગાવ્યો છે.
આ અરજદારના બાળકને ઉપરોક્ત કટ ઓફ ડેટ પછીનાં એકવીસમા દિવસે 6 વર્ષ પૂર્ણ થતાં હોય, અરજદારે RTE અને નવી શિક્ષણ નીતિની જોગવાઈ મુજબ, પોતાના બાળકને ધોરણ 1 માં મીડટર્મ પ્રવેશ આપવામાં આવે, એવી માંગણી આ પિટિશનમાં કરી છે. અરજદારનાં વકીલની દલીલ એવી છે કે, RTE નાં સેકશન 3 મુજબ જે બાળકની વય 6 થી 14 વર્ષની વચ્ચે હોય, તે બાળકોને પ્રાથમિક શિક્ષણ માટે પ્રવેશ આપવો સરકાર માટે ફરજિયાત છે. વકીલ કહે છે : આ પ્રકારના કિસ્સાઓમાં બાળકોને સત્રના પ્રારંભે અથવા વર્ષ દરમિયાન કોઈ પણ સમયે શાળામાં પ્રવેશ આપવો સરકાર માટે ફરજિયાત છે. અને, પહેલી જૂનની આ કટ ઓફ ડેટ RTE નાં કાયદાનો ભંગ કરે છે.
વકીલે પિટિશનમાં એમ પણ કહ્યું છે કે, આ કાયદાનું સેકશન 15 કહે છે – કોઈ પણ બાળકને પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ માટે ઈન્કાર કરી શકાય નહીં. શૈક્ષણિક વર્ષ દરમ્યાન કોઈ પણ સમયે પ્રવેશ મેળવી શકાય છે. મુખ્ય કાર્યકારી ન્યાયમૂર્તિ એ.જે.દેસાઈ અને ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવની ખંડપીઠે આ મામલામાં સરકારને 12 જૂન સુધીમાં અદાલતમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે. અત્રે નોંધનીય છે કે, સરકારે કટ ઓફ ડેટ પહેલી જૂન જાહેર કરી છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, ગત્ મહિને વડોદરાનાં 55 વાલીઓએ સરકારે જાહેર કરેલી ઉપરોક્ત કટ ઓફ ડેટ જાહેર કરતાં નોટિફિકેશનને હાઈકોર્ટમાં પડકાર આપ્યો હતો ત્યારે વાલીઓએ એમ જણાવ્યું હતું કે, સરકારે આ નોટિફિકેશનનો વ્યાપક પ્રચાર કર્યો નથી. અને, વાલીઓએ હાઈકોર્ટમાં એમ પણ જણાવ્યું હતું કે, અન્ય કેટલાંક રાજ્યોમાં કટ ઓફ ડેટ 31/12/2023 જાહેર કરવામાં આવી છે, ગુજરાત સરકાર પણ ધારે તો આ કટ ઓફ ડેટ પાછી ઠેલતી જાહેરાત કરી શકે છે.