Mysamachar.in:અમદાવાદ
ધોરણ 10 માં જે છાત્ર અથવા છાત્રા નાપાસ થયાં હોય તેઓ ફરીથી શાળામાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરી શકે, એ પ્રકારની વ્યવસ્થા આજથી પાંચ વર્ષ પહેલાં રાજ્યમાં અમલમાં હતી. ત્યારબાદ, સરકારે આ વ્યવસ્થા નાબૂદ કરી હતી. હવે ફરીથી આ વ્યવસ્થા શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતનાં શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્યનાં શિક્ષણ વિભાગ સમક્ષ આ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત શિક્ષણ વિભાગ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. પાંચ વર્ષ પહેલાંની આ પધ્ધતિ ફરી અમલમાં મૂકવામાં આવશે. આ માટે સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવશે.
ધોરણ 10 માં નાપાસ થયેલાં વિદ્યાર્થીઓ હવે શાળામાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરી શકશે. 2023 માં ધોરણ 10 ની પરીક્ષા આપનાર અને નાપાસ થનાર વિદ્યાર્થીઓને પણ આ સુવિધાનો લાભ મળી શકશે. છેલ્લા પાંચ વર્ષથી એવી વ્યવસ્થા હતી કે, આ નાપાસ વિદ્યાર્થીઓએ ઘરે અભ્યાસ કરવો પડતો હતો. હવે તેઓ સરકારી અથવા ખાનગી શાળાઓમાં ફરીથી ધોરણ 10 માં અભ્યાસ કરી શકશે. રાજ્યનાં શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકોનાં મંડળના હોદ્દેદારો વચ્ચેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ અંગે હવે સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવશે.