Mysamachar.in:અમદાવાદ
ગુજરાતમાં દારૂબંધી, દારૂબંધીની નિષ્ફળતા અને ગુજરાતમાં ઠલવાતાં તેમજ પીવાતા અને પકડાઈ જતાં શરાબનો મામલો – કાયમ ચર્ચામાં રહ્યો છે. ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવી જોઈએ, એવી માંગ હાઈકોર્ટમાં પાંચ વર્ષથી પડતર છે. હવે, આ બધી અરજીઓની સુનાવણી આગામી ઓગસ્ટમાં થશે. લોકોએ પોતાના ઘરમાં, ઓફિસમાં, દુકાનમાં કે કારખાનાં અથવા ગોદામ જેવી ખાનગી જગ્યાઓમાં બેસીને શું પીવું અને શું ખાવું ? એ, લોકોનો અધિકાર છે. આ બાબત રાઈટ ટુ પ્રાઈવસી પણ છે, એમ ગરિમા ભટ્ટ નામનાં એક મહિલા કાર્યકરે વડી અદાલતમાં દારૂબંધી હટાવી લેવા અંગેની એક અરજીમાં જણાવ્યું છે. વડી અદાલતમાં વર્ષ 2018થી આ મતલબની ઘણી બધી અરજીઓ પડતર છે. સરકારે અદાલતમાં આ અરજીઓનો વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું : આ અરજીઓની સુનાવણી તાકીદે હાથ ન ધરવી જોઈએ.
સરકારનાં વિરોધ છતાં હાઈકોર્ટે જણાવ્યું છે કે, દારૂબંધી સંબંધિત તમામ અરજીઓની સુનાવણી એકસાથે ઓગસ્ટની સાતમીએ હાથ ધરવામાં આવશે. સરકારે વિરોધમાં એમ પણ કહ્યું હતું કે, અદાલત સમક્ષ અન્ય મહત્વની ઘણી અરજીઓ પડી છે. દારૂબંધી સંબંધિત આ અરજીઓની સુનાવણી તાકીદે હાથ ધરવામાં ન આવે એવી સરકારની લાગણી છે. ગુજરાતની દારૂબંધી નીતિનો વિરોધ કરતી જાહેર હિતની અરજી સહિત સંખ્યાબંધ અરજીઓ આ સંદર્ભે છેક 2018થી પડતર છે. જેમાં દારૂબંધી નીતિની આકરી ટીકાઓ કરવામાં આવી છે.
એક અરજીમાં એમ પણ કહેવાયું છે કે, દારૂની પરમિટનાં ધારકોને, રાજય બહારથી આવતાં કેટલાંક લોકોને તથા સૈન્ય સેવાઓ સાથે સંકળાયેલા લોકોને ગુજરાતમાં શરાબ પીવાની છૂટ છે ત્યારે સામાન્ય માણસ પર પ્રતિબંધ શા માટે ?! એમ પણ દલીલ કરવામાં આવી છે કે, ખાનગી જગ્યાઓમાં બેસીને શું ખાવું અને શું પીવું ? એ સરકારે શા માટે નક્કી કરવું જોઈએ ? ખુદ સુપ્રિમ કોર્ટે પણ દેશભરનાં નાગરિકોને આ સ્વતંત્રતા છે એમ કહ્યું જ છે ત્યારે ગુજરાતમાં આ મુદ્દે ભેદભાવ શા માટે ?! અત્રે ઉલ્લેખનીય છે કે, 2021માં વડી અદાલતે આ અરજીઓ સ્વીકારી લીધી છે અને સુનાવણી માટેની પરવાનગી પણ આપી છે. સરકાર આ અરજીઓનો શરૂઆતથી જ વિરોધ કરી રહી છે. અને વહેલી સુનાવણીનો પણ વિરોધ નોંધાવી રહી છે છતાં વડી અદાલતે કહ્યું : આગામી સાત ઓગસ્ટે આ અરજીઓની સુનાવણી એકસાથે હાથ ધરવામાં આવશે.
શુક્રવારે અરજદારોના વકીલે આ અરજીઓની સુનાવણીની તારીખ જાહેર કરવા અદાલતને વિનંતી કરી ત્યારે પણ સરકારે તાકીદની સુનાવણીનો વિરોધ નોંધાવ્યો હતો. આ અરજીઓ પૈકી એક અરજીમાં કહેવાયું છે કે, પ્રોહીબિશનનો કાયદો ફેરફાર માંગે છે. નિયમો હળવા બનાવવા જોઈએ. આ દલીલો દરમિયાન એક સિનિયર વકીલે અરજદારો વતી એમ પણ કહ્યું કે, ચાર દીવાલોની વચ્ચે હું શું કરૂં છું ? એ સરકારનો વિષય નથી. સરકારે એમાં માથું મારવું ન જોઈએ. આ રાઈટ ટુ પ્રાઈવસી મામલો છે. આ મારી વ્યક્તિગત સ્વતંત્રતા છે. જેને સુપ્રિમ કોર્ટ પણ માન્ય રાખે છે.
અત્રે એ પણ નોંધનીય છે કે, ગુજરાતમાં નિષ્ફળ દારૂબંધીની અસરો રૂપે બેફામ ભ્રષ્ટાચાર અને ગુનાખોરી જોવાં મળી રહ્યા છે એવું લગભગ બધાં જ લોકો સ્વીકારે છે. દર વર્ષે રાજ્યમાં અબજો રૂપિયાનો દારૂ પકડાય છે, વેચાય છે અને પિવાય પણ છે ! છતાં સંબંધિતો સૌ દારૂબંધીનાં ગુણગાન ગાય છે અને કાયદો કડક હોવાની વાતો થતી રહે છે, નક્કર વાસ્તવિકતા સૌ કોઈ જાણે છે !