Mysamachar.in:અમદાવાદ
શહેરોની આસપાસ સંખ્યાબંધ બાંધકામો ખડકાતા રહે છે. આ પ્રકારના બાંધકામો કોર્પોરેશન અને સ્થાનિક વિસ્તાર વિકાસ સત્તામંડળના વિસ્તારોની બહારનાં વિસ્તારોમાં સર્જાતા રહે છે. જેને પરિણામે આ પ્રકારની ઓથોરિટી, આ પ્રકારના બાંધકામો પર કોઈ જ નિયંત્રણ ધરાવતી હોતી નથી ! સરવાળે, દરેક શહેરથી દૂરના વિસ્તારોમાં આ પ્રકારના બાંધકામો ગેરકાયદેસર રીતે ખડકાઈ રહ્યા છે. જેમાં રહેણાંકો, ઉદ્યોગો, હોટેલો, ગોડાઉન, વાહનોનાં શો રૂમ તથા શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થતો હોય છે ! આ પ્રકારની તમામ વિગતો તાજેતરમાં ‘ગુજરેરા’ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ વિગતોમાં TP અને Non-TP વિસ્તારો અંગે પણ વાત કરવામાં આવી છે.
જામનગર સહિતના શહેરોમાં નાનાં નાનાં ગેરકાયદે બાંધકામો તોડી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પોતાના હાથે પોતાની પીઠ થાબડી રહેલી જોવા મળે છે પરંતુ શહેરોની આસપાસનાં વિસ્તારોમાં ખાસ કરીને વિવિધ હાઈવે નજીકનાં વિસ્તારોમાં પાછલાં કેટલાંક વર્ષો દરમિયાન, સંખ્યાબંધ બાંધકામો ખડકાઈ ગયા છે. હજુ પણ ખડકાઈ રહ્યા છે ! આ અંગે સરકારે અત્યાર સુધીમાં કોઈ સિસ્ટમ જ ડેવલપ કરી નથી !
શહેરી વિસ્તારોમાં, મહાનગરો અને વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં હવે રિઅલ એસ્ટેટનો વધુ વિકાસ શક્ય નથી. ક્યાંય જગ્યાઓ બચી નથી. તેથી અસમાન ધોરણે શહેરોની તથા વિકાસ સત્તામંડળની હદ બહાર મોટાં પ્રમાણમાં બાંધકામો ખડકાઈ રહ્યા છે. જ્યાં કોઈ જ નીતિનિયમો કે નિયંત્રણો જ નથી ! અને, આ માટે સરકારે કોઈ સિસ્ટમ જ ડેવલપ કરી નથી ! એવી કડક ટીકા ખુદ ગુજરેરાએ કરી છે. આ પ્રકારના અસમાન વિકાસને કારણે આવનારાં વર્ષોમાં મોટી સમસ્યાઓ સર્જાઇ શકે છે.
ગુજરેરાએ વધુમાં જણાવ્યું છે કે, શહેરોની આસપાસ નોન ટીપી વિસ્તારોમાં આ પ્રકારના બાંધકામો બની રહ્યા છે. ઘણાં નાનાં શહેરોમાં ટીપી સ્કીમ પ્રથા લાગુ જ કરવામાં આવી નથી ! જેને પરિણામે મોરબી અને રાજકોટ તથા જૂનાગઢ અને જામનગર જેવાં શહેરો ઉપરાંત અમદાવાદ સહિત મહાનગરોમાં પણ આ સમસ્યા વિકરાળ બની રહી છે ! આ માટે શહેરોની તથા વિકાસ સત્તામંડળની હદો તાકીદે વધારવી જરૂરી છે. ગુજરાતમાં કુલ વસતિ પૈકી 42 ટકાથી વધુ નાગરિકો શહેરમાં વસવાટ કરે છે. ગામડાંઓ ભાંગી રહ્યા છે.