Mysamachar.in:અમદાવાદ
જામનગર સહિત રાજ્યભરમાં મેડિકલ સ્ટોર્સ વ્યવસાયમાં ઘણાં બધાં પ્રકારની ગોબાચારીઓ ચાલતી હોવાનું તંત્ર સહિત સૌ જાણે છે ! આમ છતાં મેડિકલ સ્ટોર્સ વ્યવસાય ધીકતો અને સલામત ધંધો લેખાય છે ! જે તંત્રની આડકતરી સામેલગીરી પ્રત્યે સંકેત ચીંધે છે. ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા આ સંદર્ભે કેટલીક વિગતો જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની મહેરબાનીથી 70 ટકા જેટલાં (!) મેડિકલ સ્ટોર્સ ગેરકાયદે ધમધમે છે, એવો આક્ષેપ ખુદ આ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. નિયમ પ્રમાણે, મેડિકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટ હાજર હોવા જોઈએ, ખરેખર હાજર હોતાં નથી ! અને, માત્ર ફાર્માસિસ્ટનાં લાયસન્સનાં આધારે આ પ્રકારના મેડિકલ સ્ટોર્સ ધમધમતા રહે છે.
ફાર્મસી એકટ-1948 મુજબ મેડિકલ સ્ટોર્સમાં દવાઓનું વેચાણ ફાર્માસિસ્ટની હાજરીમાં થવું જોઈએ. પરંતુ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં વ્યાપેલા વ્યાપક ભ્રષ્ટાચારને કારણે રાજ્યમાં મોટાભાગના મેડિકલ સ્ટોર્સ ખાતે દવાઓનું વેચાણ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં, માત્ર તેઓનાં લાયસન્સનાં આધારે થતું રહે છે. આ ઉપરાંત ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશને એવો ચોંકાવનારો ઘટસ્ફોટ પણ કર્યો છે કે, રાજ્યભરમાં મેડિકલ સ્ટોર્સમાં નશા માટેની દવાઓ અને ગર્ભપાત માટેની ગેરકાયદે દવાઓનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે ! અને, અચરજની વાત એ છે કે આ પ્રકારના કૌભાંડ તથા ગેરકાનૂની પ્રવૃતિઓ છતાં મેડિકલ સ્ટોર્સ સંચાલકોની વિરૂધ્ધ ક્યાંય, કોઈ કાર્યવાહી થતી નથી !
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સારી પ્રતિષ્ઠા ધરાવતો નથી. દરબારગઢ સર્કલ ખાતે કચેરી ધરાવતો આ વિભાગ પોતાની કામગીરીઓ ક્યારેય જાહેર કરતો નથી ! અને તેની સામે સૌ એ પણ સમજે છે કે, આ કચેરીનાં અધિકારીઓ જામનગર શહેર અને જિલ્લામાં તમામ મેડિકલ સ્ટોર્સની ‘બિનસતાવાર’ મુલાકાત નિયમિત રીતે લ્યે છે ! તેઓ શા માટે મુલાકાત લેતાં હોય છે ?! તે સમજી શકાય તેવી બાબત છે.