Mysamachar.in:અમદાવાદ
સામાન્ય રીતે આપણે સૌ રોગોમાંથી છુટકારો મેળવવા દવાઓ અને ઈન્જેકશનોનાં શરણે જતાં હોઈએ છીએ. પરંતુ ધારો કે, કેટલીક દવાઓ માણસનાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહી છે એવું જાહેર થાય, અને પછી પણ તે દવાઓનું ઉત્પાદન અને વેચાણ ધમધમતું રહે ! તો તમારી પ્રતિક્રિયા શું હોય ?! અચરજ થશે પરંતુ આ હકીકત છે ! અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર સહિતના શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ સ્ટોર્સમાં દવાઓનાં નામે કેવાં કેવાં ઉત્પાદનો વેચાઈ રહ્યા છે ?! તે અંગે કોઈ જ ચેકીંગ થતું નથી ! મેડિકલ સ્ટોર્સ સંચાલકોની તથા સંબંધિત અધિકારીઓની સમૃદ્ધિઓ અંગે અવારનવાર ચર્ચાઓ અને શંકાઓ ઉઠતી રહે છે ! પરંતુ ક્યાંય, કશી જ કાર્યવાહીઓ થતી હોવાનું ક્યારેય જાણવા મળતું નથી, તે શું દર્શાવે છે ?!
બધાં જ મેડિકલ સ્ટોર્સ અને અધિકારીઓ કુંડાળા ચિતરે છે એમ કહેવાનો આશય નથી પરંતુ આ ક્ષેત્રમાં ખોટું કરવાની જગ્યાઓ પુષ્કળ હોવાનું જાણકારો કહે છે. રાજયની વડી અદાલતમાં એક જાહેર હિતની અરજી દાખલ થઈ છે. આ PIL દવાઓની ક્વોલિટી અંગે છે ! કુલ 59 જીવનરક્ષક દવાઓ એવી છે જે દવાઓનાં સેમ્પલ ટેસ્ટમાં ફેઈલ ગયા છે ! છતાંય આ પ્રકારની દવાઓનું ઉત્પાદન ધમધોકાર ચાલે છે ! જે પૈકી 7 દવાઓની ફેકટરીઓ ગુજરાતમાં પણ છે ! આ દવાઓ જામનગરમાં મેડિકલ સ્ટોર્સ સુધી પહોંચતી નથી, એવું કોઈ છાતી ઠોકીને કહી શકે ?!
કેટલીક જીવનરક્ષકનું લેબલ ધરાવતી દવાઓ ઉતરતી કક્ષાની અને ખરાબ ગુણવત્તાવાળી (સબસ્ટાન્ડર્ડ) હોવાનાં દાવા સાથે વડી અદાલતમાં જાહેર હિતની અરજી દાખલ થઈ છે. જેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, 59 જીવનરક્ષક દવાઓ એવી છે જે દવાઓ ધારાધોરણ માટેનાં ટેસ્ટમાં અસફળ રહી છે ! જે પૈકી 7 દવાઓનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે અને આ દવાઓ સમગ્ર ભારત સહિત વિદેશોમાં પણ વેચાય છે ! આવી દવાઓનું ઉત્પાદન બંધ થવું જોઈએ એવી માંગણી આ અરજીમાં થઈ છે.
હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન, મુખ્ય કાર્યકારી ન્યાયમૂર્તિ એ.જે.દેસાઈ અને ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવની ખંડપીઠે અરજદારને કહ્યું છે કે, જે રિપોર્ટ પર અરજદાર આધાર રાખી રહ્યા છે તે રિપોર્ટ અદાલત સમક્ષ, રેકર્ડ પર મૂકવામાં આવે. આ કેસમાં અરજદાર વિશ્વાસ ભાંબુરકરે પાર્ટી ઈન પર્સન તરીકે જાહેર હિતની અરજીમાં જણાવ્યું છે કે, નાગરિકોનાં સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી અને યોગ્ય રીતે ઓડિટ થયેલી અને ક્વોલિટી ચેક થયેલી જીવનરક્ષક દવાઓ નાગરિકોને મળવી જોઈએ.
અરજદારે એક વેબસાઇટ પર જાહેર થયેલાં સેન્ટ્રલ ડ્રગ્સ કંટ્રોલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન દ્વારા મૂકવામાં આવેલાં રિપોર્ટનાં આધારે હલકી ગુણવત્તાવાળી દવાઓનો દાવો આ પિટિશનમાં કરવામાં આવ્યો છે. અરજદારે આક્ષેપ કર્યો છે કે, ફાર્મા કંપનીઓ ઉપરાંત તબીબો વગેરેનાં મેળાપીપણામાં આ પ્રકારની ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે. આ ગેરરીતિઓ નાગરિકોનાં સ્વાસ્થ્ય માટે જોખમી છે અને તેથી અદાલતે તાત્કાલિક યોગ્ય આદેશો કરવા જોઈએ.અરજદારે હાઈકોર્ટમાં કહ્યું, આ રિપોર્ટ મારી પાસે છે અને તે અદાલત સમક્ષ મૂકી શકું છું. વડી અદાલતે આ અરજીની સુનાવણી આગામી 19 એપ્રિલે હાથ ધરવામાં આવશે એમ જણાવ્યું છે.