Mysamachar.in:અમદાવાદ
જામનગર સહિત રાજ્યભરમાં કલેકટર કચેરીઓ ખાતે બિનખેતીની સંખ્યાબંધ ફાઈલો પેન્ડિંગ પડી હોય છે. રાજયની વડી અદાલતમાં એક સિંગલ જજે આ અંગે આદેશ આપ્યો હતો કે, 15 એપ્રિલથી જંત્રીના નવા દરો અમલમાં આવે તે પહેલાં, 13 એપ્રિલ સુધીમાં તમામ કલેકટર કચેરીઓએ બિનખેતીની આ ફાઈલો અંગે નિર્ણય જાહેર કરવો. ત્યારબાદ, મંગળવારે રાજય સરકાર આ મુદ્દે હાઇકોર્ટમાં ગઈ હતી અને સિંગલ જજનાં નિર્ણયને પડકાર આપ્યો હતો. ત્યારે હાઈકોર્ટે સરકારને જણાવ્યું હતું કે, આ મુદ્દે બુધવારે નિર્ણય લેવામાં આવશે. ત્યારપછી રાજય સરકાર બુધવારે ફરીથી વડી અદાલતમાં પહોંચી હતી. ત્યારે સિંગલ જજનાં આ નિર્ણયનો મામલો બે ન્યાયમૂર્તિની ખંડપીઠ સમક્ષ મૂકાયો. આ ખંડપીઠે અગાઉનાં, સિંગલ જજનાં નિર્ણય પર વચગાળાનો સ્ટે આપ્યો છે.
સરકારે આ મુદ્દે એવી દલીલ કરી હતી કે, સિંગલ જજનાં નિર્ણયનો અમલ પ્રેક્ટિકલ દ્રષ્ટિએ શક્ય નથી. સરકારની દલીલ અને સંપૂર્ણ જવાબનો અભ્યાસ કરી, હાઈકોર્ટની ખંડપીઠે સરકારની દલીલ માન્ય રાખી, અગાઉનાં નિર્ણય પર વચગાળાનો સ્ટે આપ્યો છે અને હવે પછીની સુનાવણી આગામી ત્રીજી મે નાં દિવસે હાથ ધરવામાં આવશે એમ કહ્યું છે. આમ કલેકટર કક્ષાએ પેન્ડિંગ રહેલી બિનખેતીની ફાઈલોનો આ મુદ્દો હાલ પૂરતો ઉકેલાયો છે.