Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં ક્યાંય પણ રાજકીય કે ધાર્મિક સભા કે સરઘસ યોજાય તેની વિડિયોગ્રાફી આવશ્યક છે. આ માટે ગુજરાત સરકારે એક્શન પ્લાન બનાવવો જોઈએ. આ પ્રકારની સૂચના વડી અદાલતે 2019 માં આપી હતી. સરકારે હજુ એક્શન પ્લાન બનાવ્યો નથી. વડી અદાલતે ‘ઉઘરાણી’ કરી, તો સરકારે કહ્યું : વડી અદાલતમાં આ મુદ્દે સોગંદનામું રજૂ કરીશું.
2019ની સાલમાં હાઈકોર્ટે સુઓમોટો દ્વારા સરકારને આ સૂચના આપી હતી. વડી અદાલત ચિંતિત છે પરંતુ સરકારે હજુ સુધી આ માટે એક્શન પ્લાન બનાવ્યો નથી. વડી અદાલતે 2019 માં સુપ્રિમ કોર્ટનાં હુકમને પગલે આ સુઓમોટો દ્વારા સરકારને ઉપરોક્ત નિર્દેશ આપ્યો હતો. તેમાં એમ પણ કહેવાયું હતું કે, તોફાનોની પણ વિડિયોગ્રાફી થવી જોઈએ, એક્શન પ્લાનમાં તેનો પણ સમાવેશ થવો જરૂરી છે.
કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ એજે દેસાઈ અને ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવની બેન્ચે જણાવ્યું છે કે, સરકાર હજુ આ મુદ્દે સોગંદનામું રજૂ કરવા સમયની માંગ કરી રહી છે. આ મામલો ચાર વર્ષથી અદાલતમાં છે. સરકારનાં ધ્યાનમાં છે. જેતે સમયે સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, સરકારી અથવા ખાનગી મિલકતોને તોફાનો દરમિયાન નુકસાની પહોંચે તેવા કિસ્સામાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ તથા સંબંધિત મિલકતમાલિકને વળતર પણ મળવું જોઈએ.
આ અગાઉ સરકારે જયારે હાઈકોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો ત્યારે પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ અંગે જ જણાવ્યું હતું. તે માટે એટલે કે જગ્યાઓ ભરવા માટે તથા એક્શન પ્લાન બનાવવા માટે શું પગલાં લેવામાં આવ્યાં ? તે વિગતો અદાલત સમક્ષ રજૂ કરી ન હતી.
આ અગાઉ ગુજરાત સરકારે આ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં પણ સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં જે તે સમયે જણાવવામાં આવ્યું હતું કે, 2017 ની સ્થિતિએ રાજ્યનાં પોલીસ વિભાગમાં 28,578 જગ્યાઓ ખાલી છે. તે પછી, આજની તારીખે રાજ્યમાં પોલીસ વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી છે ? અને તે જગ્યાઓ ભરવા માટે સરકારે શું પગલાં લીધાં ? તેની વિગતો સરકારે વડી અદાલતમાં દાખલ કરવાની હજુ બાકી છે. આ વિગતો અદાલતમાં દાખલ થયા પછી, એક્શન પ્લાન મુદ્દે વડી અદાલતમાં કાર્યવાહી આગળ વધશે, એવું હાલ સમજાઈ રહ્યું છે.