Mysamachar.in:અમદાવાદ:
આગામી 15 એપ્રિલથી જામનગર સહિત રાજ્યભરમાં બમણી જંત્રીનો સરકારનો નિર્ણય અમલી બનવા જઈ રહ્યો છે તે પહેલાં વડી અદાલતે તમામ જિલ્લાઓના કલેકટરોને સૂચના આપી દીધી છે કે, 13 એપ્રિલ પહેલાં ખેતીની જમીનો બિનખેતી કરવા માટેની પ્રોસેસ પૂર્ણ કરવાની રહેશે. વડી અદાલતના આ મૂવને કારણે જામનગર સહિત રાજ્યભરમાં લાખો એકર જમીનો એકસાથે બિનખેતી થશે. અને એ પણ આગામી 48 કલાકમાં. જેને પગલે રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં ભાવકડાકાની પણ સંભાવનાઓ સર્જાવા પામી છે. અત્રે એ પણ નોંધનીય છે કે, બિનખેતીની ઘણી ફાઈલો લાંબા સમયથી પડતર પણ હોય છે.
વડી અદાલતે આ અંગે સરકારને પણ નિર્દેશ આપ્યો છે કે, અદાલતનાં આ નિર્ણય અંગે તમામ કલેકટરોને તાકીદની અસરથી સુચના આપવામાં આવે. વડી અદાલતના આ નિર્દેશને કારણે રાજય સરકાર ફિકસમાં મૂકાઈ ગઈ છે. સરકારે આ કિસ્સાઓમાં ઉંચુ પ્રીમિયમ મેળવવાથી વંચિત રહેવું પડશે. બિલ્ડરોને મોટો ફાયદો થશે. અને, વાંધાવચકાવાળી ફાઈલોને આગળ વધારવાની દિશામાં બિલ્ડરોને એક વધુ તક ઉપલબ્ધ થશે.
આ આખો મામલો ખેડા જિલ્લાના એક બિલ્ડરની અરજીને પગલે ગતિશીલ બન્યો. વિજય પટેલ નામનાં એક બિલ્ડરની બિનખેતીની ફાઈલ કલેકટર કચેરીમાં પડતર હતી તેથી આ બિલ્ડર હાઈકોર્ટમાં પહોંચ્યા. જેની સુનાવણી દરમિયાન ઉપરોક્ત નિર્દેશ બધાં જ જીલ્લાઓ માટે અદાલતે આપ્યો હતો. આ મામલામાં વડી અદાલતે બિલ્ડરને નવી અરજી આપવા જણાવ્યું હતું. બિલ્ડરની નવી અરજી સામે પણ સરકારે વાંધો દર્શાવ્યો હતો ત્યારબાદ વડી અદાલતે કલેક્ટરને પ્રોસેસ ઝડપથી નિપટાવવા હુક્મ કર્યો. અદાલતે બિલ્ડરને એમ પણ કહ્યું : તેઓ તમારી પાસેથી કોઈ પણ રીતે ડબલ મની (પ્રીમિયમનાં) ઇચ્છે છે, તે સ્પષ્ટ છે. અને આમ કહ્યા પછી વડી અદાલતે તમામ જિલ્લાઓના કલેકટરોને ઉપરોક્ત નિર્દેશ આપ્યો હતો.