Mysamachar.in:અમદાવાદ
આ વખતે ઉનાળાના આકરા તાપ કરતા વધુ કમોસમી વરસાદની આગાહીઓ ચર્ચામાં રહી છે, જ્યારથી ઉનાળો શરુ થયો છે ત્યારથી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીઓ વારંવાર આપવામાં આવી રહી છે અને આ આગાહીઓ કેટલીય વખત સાચી પડી અને કેટલાય તાલુકાઓમાં કમોસમી વરસાદ થતા પાકને નુકશાન પહોચતા સરકારે સર્વેના આદેશો પણ કર્યા છે, આ તમામ વચ્ચે આજથી ફરી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી હોવાનું જાણવા મળે છે.
હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં કમોસમી વરસાદી પડવાની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, તેમજ મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ, જામનગર, મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગના ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આગામી તા.5, 6 અને 7 એપ્રિલના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અમુક જગ્યા પર વાદળછાયું વાતાવરણ રહેશે. તા.5, 6 અને 7 એપ્રિલનાં રોજ સૌરાષ્ટ્ર તેમજ કચ્છ, મોરબી, રાજકોટ, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહીસાગર સહિતના વિસ્તારોમાં ભારેથી હળવા વરસાદ થવાની શક્યતા રહેલી છે. 7 એપ્રિલના રોજ હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત, ભરૂચ, નર્મદા, તાપી અને કચ્છમાં પણ ભારેથી હળવા વરસાદ થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદ પડવાની શક્યતા છે.