Mysamachar.in:અમદાવાદ
રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલું ચોટીલા યાત્રાધામ છેલ્લાં કેટલાંક સમયથી રોપ-વે મુદ્દે ચર્ચામાં છે. કેટલાંક સમયથી આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. અત્યાર સુધી પક્ષકારો દ્વારા દલીલો કરવામાં આવી. તમામ દલીલો કાલે સોમવારે પૂર્ણ થયાં પછી, હાઈકોર્ટે આ ચુકાદો અનામત રાખ્યો છે. અત્રે નોંધનીય છે કે, આ પ્રખ્યાત યાત્રાધામ ખાતે સરકાર રોપ-વે નિર્માણ કરવા ઇચ્છે છે પરંતુ આ મુદ્દે જાહેર હિતની અરજી દાખલ થતાં મામલો ઘણાં સમયથી અદાલતમાં છે. અને, અત્યાર સુધીમાં ઘણાં આક્ષેપો અને પ્રતિઆક્ષેપો પણ થયાં છે. નવાઈની વાત એ પણ છે કે, આ મામલો સોળ સોળ વર્ષથી વિવાદનું કેન્દ્ર બન્યો છે !
આ રોપ-વે પ્રોજેક્ટનાં વિવાદમાં જાહેર હિતની અરજી દાખલ થયાં પછી તમામ પક્ષોએ હાઈકોર્ટમાં લંબાણપૂર્વકની દલીલો રજૂ કરી. જે પૂર્ણ થતાં, કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ એ.જે.દેસાઈ અને ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવની ખંડપીઠે આ ચુકાદો હાલ અનામત જાહેર કર્યો છે. જેથી સર્વત્ર, ખાસ કરીને માતાજીનાં ભક્તોમાં અનેરી ઉતેજના છે કે, સોળ વર્ષ જૂનાં આ મામલામાં ચુકાદો શું હશે ?! આ કેસમાં અરજદાર શ્રી ચામુંડા મંદિર ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ રોપ-વે માટે ઈચ્છા પ્રગટ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ સરકાર તરફથી જેતે સમયે, ટેન્ડર વિના એક પાર્ટીને કામ સોંપી દેવા હિલચાલ થતાં મામલો લાંબા સમયથી, સોળ વર્ષથી ચર્ચામાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષે અંદાજે પચ્ચીસેક લાખ માઈભક્તો આ પ્રખ્યાત મંદિરે દર્શનાર્થે પહોંચે છે. જો રોપ-વે બની ગયો હોત તો, લાખો ભકતો અત્યાર સુધીમાં આ સુવિધાનો લાભ મેળવી શક્યા હોત પરંતુ પાછલાં સોળ વર્ષ દરમિયાન આ શક્ય બન્યું નથી ! સરકારે આ કામ માટે ઘણો પ્રચાર કરવા છતાં આ કામ કરવા માત્ર બે જ પાર્ટી તૈયાર છે. બીજી બાજુ અરજદાર ટ્રસ્ટ કહે છે : અમારી પાસે રોપ-વે બાબતે નવો આઈડિયા છે. સરકાર કહે છે : ટ્રસ્ટને કોઈ ઈજનેરી અનુભવ નથી. ટૂંકમાં, હાઈકોર્ટમાં ઘણીયે દલીલો કરવામાં આવી છે. હવે આગામી સમયમાં આ વિવાદ પર પૂર્ણવિરામ મૂકાઈ શકે છે. હાઈકોર્ટ શું ચુકાદો આપે છે, તેનાં પર સૌની નજર છે.
-સરકારે સોગંદનામામાં કહ્યું….
….આ એક નીતિવિષયક મુદ્દો છે. અને, રોપ-વેનાં બાંધકામ મુદ્દે સરકારને અંતિમ નિર્ણય કરવાની સત્તા છે. તે ઉપરાંત અરજદાર દ્વારા, સંબંધિત કંપની પ્રત્યે સરકાર મહેરબાન છે એવો જે આક્ષેપ છે તે પણ વાંધાજનક અને પાયાવિહોણો છે. અગાઉ આ મામલે હાઈકોર્ટે કરેલાં આદેશ બાદ અમોએ(સરકારે) અંગ્રેજી અને ગુજરાતી બે અખબારોમાં જાહેર નોટિસ આપી હતી અને તેના આધારે બે કંપનીઓ કે જેણે આ કામ માટે અગાઉ પણ રસ દાખવ્યો હતો , તેમણે ફરીથી કામ માટે રસ દર્શાવ્યો હતો.