Mysamachar.in:અમદાવાદ
આરોગ્યક્ષેત્ર અતિ સંવેદનશીલ અને જનજન સાથે સંકળાયેલું હોવા છતાં, આ ક્ષેત્રમાં અનેક પ્રકારની ગોબાચારીઓ અને ગેરરીતિઓ ચાલી રહી હોવાની રજૂઆતો વડી અદાલતમાં થતાં સનસનાટી મચી ગઈ છે. દવાઓની ગુણવત્તા અને નકલી દવાઓ અંગે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ થઈ છે જેમાં ગંભીર અને સંવેદનશીલ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. હલકી ગુણવત્તાવાળી અને માણસનાં આરોગ્ય માટે જોખમ સર્જનારી દવાઓ, ઈન્જેકશન અને અન્ય કેટલીક સામગ્રીઓ ગેરકાયદે ઉત્પાદિત થતી હોવા અંગે અને આવા ઉત્પાદનો અનિયંત્રિત રીતે બજારમાં છૂટથી ઠલવાતાં હોવા અંગે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ થઈ છે જેમાં કહેવાયું છે કે, આ પ્રકારના ઉત્પાદનોની પ્રક્રિયા અને તેનાં વેચાણ પર તાકીદે પ્રતિબંધ ફરમાવવો જોઈએ એવી માંગણી સાથે આ અરજી થઈ છે.
જાહેર હિતની આ અરજીમાં એવાં મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે કે, ગુજરાત સહિત દેશભરમાં હલકી ગુણવત્તાવાળી, સબસ્ટાન્ડર્ડ અને જોખમી દવાઓ બજારમાં ધૂમ પ્રમાણમાં ઠલવાઈ રહી છે. તેમ છતાં તેનાં પર કોઈ નિયંત્રણ કે પ્રતિબંધ નથી ! અરજી કહે છે : કેટલીક જાણીતી કંપનીઓ તથા પ્રતિષ્ઠિત ફાર્મા કંપનીઓ પણ હલકા ઘટકો ધરાવતા તત્વો ઉપયોગમાં લ્યે છે. ડોક્ટર, વચેટિયાઓ અને એજન્સીઓની મિલીભગતથી આ પ્રકારની દવાઓ અને ઉત્પાદનો બજારમાં ઠલવાઈ રહ્યા છે અને લોકોનાં આંતરડા સુધી પહોંચી રહ્યા છે, એમ અરજીમાં કહેવાયું છે. ઘણી વખત એવું પણ બને છે કે, કેટલીક દવાઓ નબળી હોવાનું જાહેર થયા પછી પણ આવી દવાઓ બજારમાં વેચાણ થાય છે.
દવાઓ લોકોને સાજા કરવા માટે હોવી જોઈએ તેને બદલે આવી દવાઓ અને ઉત્પાદનો લોકોનાં આરોગ્ય પર જોખમ સર્જે છે. આવી કેટલીક દવાઓ કેન્સર સહિતની જીવલેણ બિમારીઓ આપે છે ! વિદેશોમાં જે દવાઓ અને તત્વો પર પ્રતિબંધ છે તે દવાઓ અને રસાયણો ભારતીય ફાર્મા ઉદ્યોગમાં છૂટથી ઉપયોગ કરવામાં આવી રહ્યા છે !જ્યાં સુધી આવી દવાઓ અને ઈન્જેકશન સહિતના ઉત્પાદનોના રિપોર્ટ જાહેર ન થાય ત્યાં સુધી આવાં ઉત્પાદનો પર સંપૂર્ણ પ્રતિબંધની માગણી અરજીમાં કરવામાં આવી છે અને ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકારનાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ PIL માં પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે.
-શું છે ગંભીર-સંવેદનશીલ મુદ્દાઓ?
ગુજરાતમાં ફાર્મા કંપનીઓની ઝીણવટભરી તપાસ અને ઓડિટ કરવાની માગણી, કોઈ પણ પ્રકારની નબળી દવાઓ અને ઉત્પાદનો બજારમાં વેચાણ ન થાય તે માટે પ્રતિબંધાત્મક આદેશ જારી કરવો, ખામીયુક્ત અને બજારમાંથી પરત ખેંચવામાં આવતી દવાઓ અને ઉત્પાદનોની સંપૂર્ણ તપાસ કરી તેનાં રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ થાય, જ્યાં સુધી આ તમામ બાબતોનું કાયમી નિરાકરણ ન આવે ત્યાં સુધી તાત્કાલિક અસરથી કોઈ હુકમ બહાર પાડવામાં આવે.