Mysamachar.in:અમદાવાદ
ગુજરાતના માથે માવઠાનું સંકટ હજુ પણ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં ક્યાંય વરસાદ વરસ્યો હોય તેવું જાણવા મળ્યું નથી, પરંતુ આગામી તા.29, 30 અને 31 માર્ચે ફરી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ આ ત્રણ દિવસોમાં ફરી માવઠું પડી શકે છે. આવતીકાલથી ગુજરાતનું હવામાન પલટાઈ રહ્યું છે. 29, 30 અને 31 માર્ચે ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ પડશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
હવામાનની આગાહી મુજબ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. આવતીકાલે એટલે કે 29 માર્ચે રાજ્યના દ્વારકા, જામનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી અને રાજકોટમાં વરસાદ પડી શકે છે. તો 30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી છે. 31 માર્ચે ભરૂચ, સુરત, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતાઓ છે.