Mysamachar.in:અમદાવાદ
છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રની સાથે સાથે રાજ્યના કેટલાય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, અને કમોસમી વરસાદને ભારે પવનને કારણે ખેડૂતોને નુકશાન ઉપરાંત મિશ્ર ઋતુ ને કારણે રોગચાળો વધી રહ્યો છે, એવામાં આજે વધુ એક આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે તે મુજબ, અમદાવાદ હવામાન કેન્દ્રના વડા ડૉ.મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી બે દિવસ સામાન્ય વરસાદ વરસી શકે છે. એટલે કે હજુ બે દિવસ માવઠુ થશે. આગામી બે દિવસ ભારે પવન સાથે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે. જોકે, 48 કલાક બાદ માવઠાથી છુટકારો મળવાની પણ શક્યતા છે. અત્યારે બદલાયેલા વાતાવરણના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ઘણું નીચે નોંધાઈ રહ્યું છે અને લોકોને ગરમી સામે ભારે રાહત મળી રહી રહી છે. પરંતુ ત્રણ-ચાર દિવસ પછી રાજ્યભરમાં ગરમીનો પારો ઊંચકાશે અને તેમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થશે તેવી પણ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.