Mysamachar.in:અમદાવાદ
આવકવેરો ચૂકવતાં અથવા આવકવેરા રિટર્ન ફાઇલ કરતાં કરદાતાઓની સુવિધાઓ માટે આવકવેરા વિભાગે એક ઉપયોગી મોબાઈલ એપ લોન્ચ કરી છે, જે આપને આપનાં આવકવેરા રિટર્ન સંબંધી લગભગ તમામ વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવશે. આવકવેરા વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ એપનું નામ AIS છે. Annual Information Statement નામની આ એપ કોઈ પણ કરદાતા Google Play અથવા એપ સ્ટોર પર જઈ ડાઉનલોડ કરી શકશે. કોઈ પણ નાણાંકીય વર્ષ દરમિયાન કરદાતા દ્વારા કરવામાં આવેલા તમામ નાણાંકીય વ્યવહારોની વિગતો, કે જે ટેક્સ વિભાગ દ્વારા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્ર કરવામાં આવી છે, તે AIS (Annual Information Statement) અથવા TIS (Taxpayer Information Summary) છે. કરદાતાઓ આ માહિતીઓનો સારાંશ આ એપની મદદથી જોઈ શકશે.
આ એપ દ્વારા આપ TDS, TCS સંબંધિત વિગતો ઉપરાંત વ્યાજ, ડિવિડન્ડ, શેર ટ્રાન્ઝેકશન, ટેક્સ ચૂકવણી, આવકવેરા રિફંડ, GST ડેટા તથા વિદેશી રેમિટન્સ સંબંધિત વિગતોનો સારાંશ મેળવી શકશો. આ એપ એક્સેસ કરવા કરદાતાએ એપ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે PAN આપવાનો રહેશે અને OTP દ્વારા કરદાતાની ઓળખ ચકાસવામાં આવશે. આ ચકાસણી ઈ-ફાઈલિંગ પોર્ટલ પર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઈ-મેઈલ આઈડી માધ્યમથી થશે. આ એપ એક્સેસ કરવા કરદાતાએ ચાર આંકડાનો પિન નંબર સેટ કરવાનો રહેશે. 2022 થી તમામ વિગતો આવકવેરા વિભાગ આ એપ પર લાવ્યો છે. AIS અને TIS એવાં માધ્યમો છે જે કરચોરી અટકાવવામાં મદદરૂપ થશે. કરદાતાઓ દ્વારા કરવામાં આવેલા તમામ નાણાંકીય વ્યવહારો પર આવકવેરા વિભાગની નજર રહેતી હોય છે.