Mysamachar.in:અમદાવાદ
પૈસા કમાવવા માટે આજના સમયમાં કોઈપણ શોર્ટકટ અપનાવી શકે છે અને તેમાં પણ મોબાઈલ અને ટીવી જેવા માધ્યમોની મદદથી ગુન્હાખોરીના આસાન રસ્તાઓ શોધી કાઢતા હોય છે, એવામાં અમદાવાદ પોલીસે નકલી ચલણીનોટોના એક રેકેટનો પર્દાફાશ કરતા આમાં પણ કઈક આવી જ થીયરી સામે આવી છે. તાજેતરમાં જ બોલિવૂડ અભિનેતાની એક વેબ સિરીઝ આવી છે, જેમાં શોર્ટકટથી પૈસા કમાવવા નકલી નોટો છાપીને લોકોને અડધી કિંમતમાં વહેંચવામાં આવતી હતી. તેવી જ રીતે અમદાવાદના 4 યુવકોએ એક મહિનામાં 25 લાખની નકલી નોટ બનાવી હોવાનો પર્દાફાશ થયો છે.
પોલીસને બાતમી હતી કે, 4 યુવકો નકલી નોટ બનાવે છે. જેથી પોલીસે આરોપીઓને પકડવા ટ્રેપ ગોઠવી હતી. પોલીસ દ્વારા જ નકલી નોટ ખરીદવાનો ગ્રાહક તરીકે ઓર્ડર આપવામાં આવ્યો હતો. ત્યારે શૈલેષ ક્રિશ્ચયન નામનો યુવક ઇકો ગાડીમાં નકલી નોટ લઈને આવ્યો હતો. પોલીસે ગ્રાહક બનીને નોટ સાથે શૈલેષની ધરપકડ કરી હતી. શૈલેષ પાસેની બેગમાંથી 500ના દરની 10 લાખ રૂપિયાની નકલી નોટ મળી આવી હતી. હજુ 3 આરોપી સુધી પોલીસે પહોંચવાનું હતું જેથી પકડેલા આરોપીની પૂછપરછ કરી હતી.
ઝડપાયેલા શખસે અન્ય 3 આરોપીનું ઠેકાણું પોલીસને આપ્યું, જેથી પોલીસે દાસ્તાન પાસેના મકાનમાં રેડ કરી તો ત્યાંથી પરાગ ઉર્ફે પકો વાણિયા, જગદીશ પટેલ અને બિગ્નેશ પટેલની ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપીઓ પાસેથી 500 રૂપિયાના દરની વધુ 15 લાખની અને 200 રૂપિયાના દરની 98,800 રૂપિયાની નકલી નોટ મળી આવી હતી. આમ, પોલીસના હાથે વધુ 15.98 લાખની નકલી નોટ લાગી હતી. પોલીસે કુલ 25.98 લાખની નકલી નોટ સાથે ચારેય આરોપીની ધરપકડ કરી હતી. ચારેય વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓએ નકલી નોટ છાપવા દાસ્તાન સર્કલ પાસે મકાન ભાડે રાખ્યું હતું. છેલ્લા 1 મહિનાથી નોટ છાપતા હતા. આરોપીઓએ એક બંડલ અડધી કિંમતમાં વેચવાનું નક્કી કર્યું હતું. પોલીસે નોટ છાપવાનું લેપટોપ, કલર પ્રિન્ટર, કાગળ કટર, કોરા કાગળ જપ્ત કર્યાં છે. આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.