Mysamachar.in:અમદાવાદ
આમ જૂઓ તો શાંતિ સૌ ઝંખે છે અને બિનજરૂરી ઘોંઘાટ અસભ્યતા કે જંગલીપણાની નિશાની છે ! આમ છતાં આપણે સૌ, આપણી આસપાસ જંગલનો અહેસાસ કરતાં રહીએ છીએ ! ઘોંઘાટ નિવારવા કાયદાઓ અને તેનો અમલ કરતી એજન્સીઓ હોવાં છતાં ! અને એટલે, હાઈકોર્ટે વધુ એક વખત ધ્વનિ પ્રદૂષણ મુદ્દે કડક વલણ અખત્યાર કરવું પડ્યું છે.
આપણે સૌ જાણીએ છીએ કે, રહેણાંક વિસ્તારમાં તથા કોમર્શિયલ વિસ્તારોમાં તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં કે પછી, હાઈવે પર ક્લબો અને રિસોર્ટ વગેરે સ્થળોએ – આપણને સૌને ઘોંઘાટ પ્રિય છે ! આપણો ઘોંઘાટ અન્ય હજારો લોકો તથા પશુપંખીઓને અકળાવનારો પૂરવાર થતો હોય છે એ હકીકત આપણે સૌ જાણીએ છીએ છતાં મોડી રાત્રિ સુધી અને ઘણાં કિસ્સાઓમાં વહેલી સવાર સુધી આપણાં લાઉડસ્પીકર અને DJ રાક્ષસી અવાજો ઓકતાં રહે છે ! આપણે જંગલી છીએ ?!
આપણો આનંદ કે આપણો પ્રસંગ કે પછી સાર્વજનિક ઉત્સવ અન્ય લોકો તથા પશુપંખીઓને અકળાવનારો પૂરવાર થાય તો એ ઉત્સવ નથી, ત્રાસ છે, અત્યાચાર છે, રાક્ષસી માનસિકતા છે, પરપિડન વૃત્તિ છે, જંગલિયત છે કેમ કે, આપણે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ કાયદાઓની આવાં સમયે ધજિયા ઉડાવતાં હોઈએ છીએ ! આપણે અન્યને પિડાઓ આપીએ છીએ.
નવાઈની વાત એ છે કે, આટલું ધ્વનિ પ્રદૂષણ છતાં ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે કામ કરતી સરકારી એજન્સીઓ પોલીસ, પ્રદૂષણ નિયંત્રણ વિભાગ આ દિશામાં અસરકારક કામગીરી કરતી નથી. મોટેભાગે તો ભેદભાવયુક્ત કામગીરી થતી હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં આ એજન્સીઓના કાન અને આંખ બંધ હોય છે !
કાલે સોમવારે આ પ્રકારનો એક કેસ હાઈકોર્ટમાં ચાલ્યો ત્યારે અદાલતે પોલીસને કડક ભાષામાં કહ્યું : ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ બાબતે આકરી કાર્યવાહી થવી જોઈએ. ધ્વનિ પ્રદૂષણ કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં.
અત્રે નોંધનીય છે કે, સરકાર એટલે કે પોલીસ કેટલાંક કિસ્સાઓમાં કેસ નોંધતી રહે છે અને અદાલતો વારંવાર આ મુદ્દે આકરી સૂચનાઓ આપતી રહે છે છતાં, જામનગર સહિત રાજ્યભરમાં આ મુદ્દે જંગલરાજ જોવા મળે છે ! કમ સે કમ, હવે આપણે સુધરી જવું જોઈએ.