Mysamachar.in:અમદાવાદ
લોકશાહીમાં કોઈ પણ વાત, વિચાર કે નીતિ અંગે અસહમતી તથા ટીકા અને વિરોધ નોંધાવી શકવાનો મુદ્દો મહત્ત્વનો હોય છે. આ દિશામાં ગુજરાતની વડી અદાલતે એક કેસમાં પોલીસને મહત્ત્વની સૂચનાઓ આપી છે. વિરોધ નોંધાવવા માટેનાં નિયમો જાણવાનો પ્રત્યેક નાગરિકને અધિકાર છે એવું વડી અદાલતે આ કેસમાં કહ્યું.
હાઈકોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન કહ્યું કે, દેખાવો કે રેલીની મંજૂરી અંગેનાં નિયમો એક મહિનામાં પોલીસ વેબસાઇટ પર જાહેર કરે. આ મામલો અમદાવાદમાં નોંધાયો છે. એક યુવતીએ દેખાવો અને રેલીની મંજૂરી અંગેનાં નિયમો જાણવા પ્રયાસ કરેલો પરંતુ પોલીસ કમિશનર કચેરી દ્વારા આ યુવતીને સંતોષકારક જવાબ ન મળતાં, યુવતી આ મામલો વડી અદાલતમાં ઘસડી ગયેલી, જેની સુનાવણીમાં અદાલતે પોલીસને ઉપરોક્ત આદેશ આપ્યો છે.
વડી અદાલતે કહ્યું હતું કે, રેલી કે દેખાવોની મંજૂરી અંગેનાં નિયમો જાણવાનો નાગરિકને અધિકાર છે. વિરોધની મંજૂરી કેમ આપવામાં આવતી નથી ? એ નિયમો જાણવાનો પણ નાગરિકને અધિકાર છે. હાઈકોર્ટે આ નિયમો વેબપોર્ટલ પર અપલોડ કરવામાં આવે એવી પોલીસને સૂચના આપી છે. એક યુવતીએ CAA કાયદા વિરુદ્ધ દેખાવો કરવા મંજૂરી માંગી હતી જે અરજી અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ નામંજૂર કરી દીધી હતી અને તેથી આ યુવતીએ અરજી નામંજૂર શા માટે કરી ? તે જાણવા બીજી અરજી કરી તો પણ પોલીસે જવાબ ન આપ્યો તેથી આ યુવતીએ RTI હેઠળ અરજી કરી.
આમ છતાં પોલીસે કારણો તથા નિયમો અંગે આ યુવતીને જાણકારી ન આપતાં, યુવતીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે કડક શબ્દોમાં પોલીસ કમિશનરને કહ્યું : પોલીસ RTI કાયદાને હાંસિયામાં ધકેલી દઈ ના શકે. વિરોધની કેમ મંજૂરી મળતી નથી તે જાણવાનો નાગરિકને અધિકાર છે અને પોલીસે મંજૂરી અંગેનાં તમામ નિયમો એક માસની અંદર વેબપોર્ટલ પર અપલોડ કરવાનાં રહેશે, એમ વડી અદાલતે આ કેસમાં કહ્યું છે.