Mysamachar.in:અમદાવાદ
મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડ્યો અને 135 લોકોનાં જિવ લેવાયા એ પ્રકરણમાં વડી અદાલતે ખૂબ જ આકરૂં વલણ અખત્યાર કર્યું છે અને રાજ્યભરમાં પુલોની સારસંભાળ અને જવાબદારી માટે સરકારે નવી પોલિસી પણ લાવવી પડી છે. કાલે ગુરુવારે રાજય સરકારે વડી અદાલતમાં જણાવ્યું હતું કે, રાજય સરકારે તમામ મહાનગરપાલિકા વિસ્તાર અને નગરપાલિકા વિસ્તારમાં પુલોની સારસંભાળ અને જવાબદારી માટે એક યુનિફોર્મ પોલિસી બનાવી છે. રાજ્યનાં શહેરી વિકાસ વિભાગે આ પોલિસી 6 માર્ચથી અમલમાં પણ મૂકી દીધી છે.
કાલે ગુરુવારે હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ એ.જે.દેસાઈ અને ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ સોગંદનામું રજૂ કરીને સરકારે જણાવ્યું હતું કે, આ માટેની પોલિસીનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યનાં શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગનાં ડેપ્યુટી સેક્રેટરી મનિષ શાહે આ સોગંદનામું હાઈકોર્ટમાં રજૂ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ ત્રીસ ઓક્ટોબરનાં દિવસે મોરબીમાં જે ગોઝારી હોનારત સર્જાઈ હતી ત્યારબાદ વડી અદાલતે આ મામલો જાહેર હિતની અરજીનાં રૂપમાં સુઓમોટો તરીકે હાથ ધર્યો છે અને અગાઉ સરકારને નિર્દેશ આપ્યો હતો કે, પુલોની સારસંભાળ માટે યુનિફોર્મ પોલિસી બનાવવામાં આવે, જે અનુસંધાને સરકારે આ સોગંદનામું હાઈકોર્ટમાં રજૂ કર્યું. આ પોલિસીમાં જણાવાયું છે કે, કોર્પોરેશન વિસ્તારમાં ક્રોસ ડ્રેનેજ વર્કસ અને પુલોની સારસંભાળની જવાબદારી કમિશનરે નિભાવવાની રહેશે. નગરપાલિકા વિસ્તારમાં આ જવાબદારી ઈજનેરની તથા શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં આ જવાબદારી કાર્યપાલક ઇજનેરે સંભાળવાની રહેશે.