Mysamachar.in:અમદાવાદ
જુદાં જુદાં સરકારી વિભાગોને સમાચારોના અર્થમાં મીડિયા દ્વારા શાબ્દિક ચાબખાંઓ ફટકારવામાં આવે છે અને અદાલતો વારંવાર વિવિધ વિષયો પર શરમજનક ટકોર કરતી રહે છે અને ગંભીર ઠપકાઓ આપતી રહે છે છતાં તંત્રો નું વલણ ‘હમ નહીં સુધરેંગે’ જ રહેતું જોવા મળે છે ! આવું એક વધુ ઉદાહરણ સામે આવ્યું છે ! એક મહિલાનાં પતિનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું. એ પછી પતિનાં ડેથ સર્ટિફિકેટ માટે આ વિધવા દસ-દસ વરસથી સરકારી કચેરીનાં પગથિયાં ઘસી રહી છે ! છેક હાઈકોર્ટમાં જવું પડ્યું ! નીચલી અદાલતે પણ પ્રશ્ન સૂલઝાવ્યો નહીં ! હાઈકોર્ટે આ અદાલતને પણ આડેહાથ લેવી પડી ! ગજબની લાલ ફીતાંશાહી ! આ કમભાગી વિધવાનું નામ વનિતા વસાવા. તેણીનાં પતિનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં 2013 ની ચોથી જૂને, છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા તાલુકાના ગરડા ગામની હિરણ નદીનાં કાંઠે મળી આવેલો.
એ પહેલાં એવું જાહેર થયું હતું કે, આ પુરૂષ ગૂમ હતો. આ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી, અગ્નિદાહ આપી, પછી પોલીસે આ વિધવાને ફોન કર્યો હતો કે, તમારાં પતિનો મૃતદેહ મળી આવ્યો છે. અગ્નિદાહ અપાઈ ગયો છે. ઓળખી કાઢો, આ તમારો જ પતિ હતો ને ?!?! પછી પોલીસે વિધવાના નિવેદનના આધારે કાગળિયાં કર્યા. આ વિધવાને પોલીસે મૃતકનાં ફોટા અને કપડાં જ દેખાડયા હતાં ! પછી, આ વિધવાની પરેશાનીનો આરંભ થયો ! ગ્રામ પંચાયતમાં પતિનું મરણ પ્રમાણપત્ર લેવા પહોંચી. પંચાયતે તેણીની માંગણી ફગાવતાં કહ્યું : આ મોતની નોંધ પંચાયતનાં દફતરમાં નથી ! બાદમાં તેણી તાલુકામથક સંખેડાની અદાલતમાં પહોંચી. અદાલતે કહ્યું : મૃતકનાં મોતની તારીખ અદાલત જાણતી નથી. તેથી મૃત્યુ પ્રમાણપત્ર બનાવવાનો સંબંધિત તંત્રને આદેશ ન આપી શકાય.
હાલમાં આ કેસ, દસ વરસે હાઈકોર્ટમાં પહોંચ્યો. હાઈકોર્ટે નીચલી અદાલતને લાલ ફીતાંશાહીનું ઉદાહરણ લેખાવી અને સંબંધિત તંત્રોને આકરો ઠપકો આપ્યો. સરકારે હાઈકોર્ટમાં એવો બચાવ કર્યો કે, નીચલી અદાલતનો આદેશ અવરોધ બન્યો છે નહીંતર સંબંધિત તંત્ર મૃત્યુ પ્રમાણપત્ર આપી શકે. હાઈકોર્ટે સરકારનાં આ બચાવ પછી, નીચલી અદાલતનો હુકમ રદ્ કરી નાંખ્યો અને સંબંધિત તંત્રને કહ્યું : આ મહિલાને તેણીનાં પતિનું મરણ પ્રમાણપત્ર ઇસ્યુ કરો. દસ વરસ પછી આ વિધવાને ન્યાય અને મરણ પ્રમાણપત્ર મળ્યા, અને એ પણ વડી અદાલતના આદેશ પછી. ત્યાં સુધી તમામ સંબંધિતો સરકારી જવાબો આપી, આ વિધવાને હેરાન કરતાં રહ્યા !