Mysamachar.in:અમદાવાદ
એક કરદાતાની આકારણી સંબંધે આવકવેરાના એક અધિકારીએ દાખવેલા વર્તનને વડી અદાલતે અયોગ્ય ઠરાવી કરદાતાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. અદાલતે એમ પણ કહ્યું કે, અધિકારીનું આ પ્રકારનું વર્તન ઈચ્છનીય કે અપેક્ષિત ન હોય શકે. આવકવેરા વિભાગની અમદાવાદ કચેરીએ એક કરદાતા પેઢીને એસેસમેન્ટ વર્ષ 2018-19નાં સંદર્ભમાં સેક્શન 148A(d) હેઠળ એક નોટિસ મોકલાવી હતી. અને, નિર્ધારિત સમયમર્યાદામાં જવાબ ન આપવા બદલ આ પેઢી વિરુદ્ધ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલામાં વડી અદાલતે ઉપરોક્ત અવલોકન કર્યું હતું અને નોટિસ મેળવનાર કરદાતા પેઢીની તરફેણમાં નિર્ણય આપ્યો હતો. આવકવેરા વિભાગે આ મામલામાં કરદાતા પેઢીને સેક્શન 148A(b) હેઠળ શો-કોઝ નોટિસ ફટકારી પૂછ્યું હતું કે, આ કરદાતા પેઢી વિરૂદ્ધ કાર્યવાહી શા માટે ન કરવામાં આવે ?
દરમિયાન, કરદાતા પેઢીએ વિભાગને જણાવ્યું હતું કે, પેઢી ઈચ્છે છે કે – આકારણી કાર્યવાહી માટે પેઢીને સમય આપવામાં આવે. પરંતુ પેઢીની આ વિનંતી ધ્યાનમાં લીધાં વિના આવકવેરા વિભાગે ઉપરોક્ત કાર્યવાહી કરતાં સમગ્ર મામલાને કરદાતા પેઢી હાઈકોર્ટમાં લઈ ગઈ હતી. આ કેસમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી અદાલતે કરદાતા પેઢીની તરફેણમાં હુકમ કર્યો. જસ્ટિસ એસ ગોકાણી અને જસ્ટિસ એસ ભટ્ટની બેન્ચે કહ્યું : આવકવેરા વિભાગ દ્વારા આ કેસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. કરદાતા પેઢીએ આકારણી માટે સમય માંગ્યો હતો. આવકવેરા વિભાગે સમય આપ્યો નથી. ઉપરાંત આવકવેરા વિભાગે કરદાતાની સમય આપવાની માંગણી ફગાવતી વખતે, માંગણી ફગાવી દેવા બાબતે સ્પષ્ટતા કરી નથી. સ્પષ્ટતા આવશ્યક હોય છે.
અદાલતે કહ્યું : કરદાતાની આ પ્રકારની વિનંતીને વિભાગે ધ્યાનમાં લેવી જોઈએ. કરદાતાને અનુકૂળ હોય તે પ્રકારની ચોક્કસ તારીખ આપવી જોઈએ. આ કેસમાં અધિકારીએ એમ કર્યું નથી. અધિકારીએ એકતરફી કાર્યવાહી કરી, વધુ સુનાવણી માટેની તારીખ 31-03-2022 આપી દીધી હતી. અધિકારીએ આમ કરવું જોઈતું ન હતું. કરદાતાને તક આપવી જોઈતી હતી. આ મામલામાં અધિકારીએ કરદાતા પેઢીની સાથે યોગ્ય કોમ્યુનિકેશન કર્યા વિના જ એકતરફી રીતે આકારણી સંબંધે સૂચના અને તારીખ આપી દીધી, જે અપેક્ષિત ન હોય શકે.