Mysamachar.in:અમદાવાદ
ગુજરાત ATSની એક મોટી કાર્યવાહીને કારણે સમગ્ર રાજ્યમાં સનસનાટી મચી ગઈ છે. સ્ક્વોડે પાંચ શખ્સોને ઉપાડી લીધાં છે જેમાં એક પત્રકાર અને ભાજપાનાં એક નેતાનો પણ સમાવેશ થાય છે ! આ શખ્સોએ એક IPSને બ્લેકમેઇલ કરવા એક કાવતરૂં રચ્યું હતું એવો દાવો ATS દ્વારા થયો છે. આ પ્રકરણમાં જાહેર થયેલી વિગતો અનુસાર, પેથાપુર નામનાં એક ગામમાં એક બંગલામાં એક મહિલા સાથે દુષ્કર્મ થયેલું એવી એક ફરિયાદ અગાઉ થયેલી. એ ફરિયાદમાં જણાવાયું હતું કે, દુષ્કર્મ કરનાર શખ્સ આશરે 42 વર્ષનો છે. અને એ શખ્સની ઓળખ ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે જેતે સમયે આપવામાં આવેલી. જો કે આ શખ્સનું નામ હજુ સુધી જાહેર થયું નથી.
આ ફરિયાદનાં આધારે, ભારતીય જનતા પાર્ટીના એક મોરચાનાં નેતાએ, બે અન્ય શખ્સો તથા ગાંધીનગરનાં બે પત્રકારો સાથે મળીને આ દુષ્કર્મ કેસનાં પોલીસ અધિકારી માનવામાં આવતાં આરોપી પાસેથી મોટો તોડ કરવાનો પ્રયાસ કર્યો હતો એવું હાલ ATS નાં SOG પીઆઇ કહે છે. આ પ્રકરણમાં રૂ. આઠ કરોડનાં તોડની વાત હતી એવું પણ SOG કહે છે.
ATS કહે છે : આ શખ્સોએ સચિવાલયમાં કેટલાંક અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. આ પ્રકરણમાં કોઈ પોલીસ અધિકારીની સંડોવણી છે કે કેમ ? તે અંગે જણાવાયું છે કે, આમાં કોઈ પોલીસ અધિકારી આરોપીઓ સાથે સંકળાયેલા નથી. આરોપીઓએ ઉચ્ચ પોલીસ અધિકારીને બદનામ કરવાની ધમકી આપી હતી, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને આ પ્રકરણમાં આરોપીઓએ રૂ.આઠ કરોડનો તોડ કરવાનું નક્કી કર્યું હતું એમ ATS કહે છે. જો કે આ આખો મામલો હાલ તપાસનાં તબક્કામાં હોય, વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.
આ પ્રકરણમાં એમ પણ કહેવાય છે કે, આ પાંચ આરોપીઓએ દુષ્કર્મની ફરિયાદી પિડીતાની સહીઓ બે એફિડેવિટ પર લીધી છે. આ એફિડેવિટને આધાર બનાવી આ શખ્સો આ પ્રકરણમાં મોટો તોડ કરવાનો પેંતરો રચી રહ્યા હતાં એમ ATS નાં એસપી સુનિલ જોષી (દેવભૂમિ દ્વારકાના પૂર્વ એસપી)એ વિગતો આપતાં જણાવ્યું હતું.
-આરોપીઓનાં આ નામો જાહેર થયાં છે….
આ ચકચારી પ્રકરણમાં જે આરોપીઓનાં નામો જાહેર થયાં છે તેમાં ભાજપાનાં નેતા ગાંડા કચરા પરમાર, ગાંધીનગરનાં બે પત્રકારો આશિષ પંડ્યા અને કાર્તિક જાની તથા રાજુ નામનો એક શખ્સ તથા અન્ય એક શખ્સનો સમાવેશ થાય છે.