Mysamachar.in:અમદાવાદ
શાકાહારી ખાદ્ય પદાર્થો અને નોનવેજ ખાદ્ય ચીજોનો મુદ્દો જામનગર સહિત રાજ્યભરમાં ચર્ચામાં છે. આ મુદ્દો ચર્ચામાં રહેવાનું એક કારણ એ પણ છે કે, જે ખાદ્યચીજો પેકિંગમાં વેચાણ થાય છે અને તેનાં પર પ્યોર વેજ એવું છાપેલું હોય છે, તે ખરેખર બધાં જ કિસ્સાઓમાં સાચું હોય છે ?! એ પ્રકારનો સંવેદનશીલ અને ગંભીર પ્રશ્ન ઘણાં શાકાહારી લોકોમાં ઉઠતો હોય છે. આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે. ગુજરાત સરકારે હાઈકોર્ટમાં એવું જણાવ્યું છે કે, આ પ્રકારના શાકાહારી ફૂડપેકમાં ‘નોનવેજ’ હોય એવું કોઈ તત્વ કે ઘટક છે કે કેમ ?! એ અંગેની તપાસ માટેની વ્યવસ્થા અમે વિકસાવી છે પરંતુ તેનો અમલ કરતાં પૂર્વે નિયમાનુસાર, કેન્દ્ર સરકારની સંમતિ આવશ્યક છે તેથી અમોએ રાજ્યમાં આ કામગીરી હજુ શરૂ કરી નથી.
રાજય સરકારનાં આ જવાબ પછી, હાઈકોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે, ગુજરાત સરકારે આ જે જવાબ દાખલ કર્યો છે, એ અંગે કેન્દ્ર સરકાર શું કહેવા ઇચ્છે છે ? કેન્દ્ર સરકાર આ જવાબ હાઈકોર્ટમાં 28 ફેબ્રુઆરી પહેલાં દાખલ કરે એવું અદાલત ઇચ્છે છે. અત્રે નોંધનીય છે કે, ઘણાં બધાં ફૂડપેક પર પ્યોર વેજ લખેલું હોય છે. આવા પેકિંગ પર લીલું ટપકું પણ હોય છે. આમ છતાં ઘણાં લોકો એવી માન્યતા ધરાવે છે કે, માત્ર પેકિંગનાં આધારે ભરોસો ન કરી શકાય. આ પ્રકારના પેકિંગની લેબોરેટરી ચકાસણી થવી જોઈએ.