Mysamachar.in:અમદાવાદ
ગુજરાતમાં કાયમી OBC કમિશનની રચના સરકાર દ્વારા હજુ સુધી કરવામાં આવી નથી. આ મુદ્દે કાલે ગુરુવારે હાઈકોર્ટમાં કાર્યવાહી થવા પામી હતી. વડી અદાલતે સરકારને પ્રશ્ન પૂછ્યો હતો અને સાથે-સાથે ટકોર પણ કરી હતી. ગુજરાતમાં કાયમી OBC કમિશનની નિમણૂંક નહીં કરવાનાં મામલે વડી અદાલતે ગુરુવારે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. વડી અદાલતે સરકારને એવો તીખો પ્રશ્ન પૂછ્યો કે, રાજ્યમાં કાયમી OBC કમિશનની રચના હજુ સુધી કેમ કરવામાં આવી નથી ?! હાઈકોર્ટે બહુ ગંભીરતાથી સરકારને કહ્યું કે, આ મુદ્દે સરકારે ઝડપથી આગળ વધવું જોઈએ. અત્રે નોંધનીય છે કે, ગુજરાત સરકારે કાયમી OBC કમિશનની રચના બાબતે હજુ સુધીમાં માત્ર એક પરિપત્રના આધારે કમિશનના વડા તરીકે નિવૃત્ત હાઈકોર્ટ જજની નિમણૂંક કરી છે.
વડી અદાલતે કહ્યું, આટલી કામગીરી પૂરતી નથી. આ નિમણૂંકને કાયમી OBC કમિશનની રચના ન લેખાવી શકાય. ખરેખર તો, સરકારે વિધાનસભામાં કાયદો પસાર કરાવીને સ્થાયી OBC કમિશનની રચના કરવી પડે. તો જ એ કમિશનને કાયદેસરતા મળી શકે. કોઈ પણ જ્ઞાતિ અથવા જાતિનો OBC માં સમાવેશ કરવાનો હોય અથવા કમી કરવાની હોય, ત્યારે કાયમી OBC કમિશન આવશ્યક હોય છે. અને, આ પ્રકારના સ્થાયી કમિશનના અભાવે પછાત વર્ગ તથા OBC સમુદાયને અન્યાય થવાની સંભાવનાઓ પણ નકારી શકાય નહીં, એમ પણ વડી અદાલતે પોતાના અવલોકનમાં જણાવ્યું હતું.