Mysamachar.in:અમદાવાદ
આ શિયાળામાં અત્યાર સુધીમાં, જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં તથા ગુજરાતમાં લોકોએ વારંવાર કાતિલ ઠંડી અને શીતલહેર સાથેનાં પવનોનો અનુભવ કર્યો. પરંતુ હવે હવામાન વિભાગ કહે છે : આગામી ચોવીસ કલાક બાદ સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાન તથા સાથે-સાથે મહત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાઈ તેવી શક્યતા છે, ટૂંકમાં ઠંડીથી રાહતની સંભાવના તેજ બની છે. જામનગરની જ વાત કરીએ તો, આ સપ્તાહની શરૂઆતથી લઘુત્તમ તાપમાનમાં ધીમો વધારો નોંધાયો છે. દાખલા તરીકે સોમવારે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયા પછી, મંગળવારે તેમાં સહેજ વધારો થયો. અને, લઘુત્તમ તાપમાનનો આ આંકડો વધીને 14.5 નોંધાયો. આ સાથે જ મહત્તમ તાપમાન 26.5 ડિગ્રીથી સહેજ ઉંચકાઈ 27 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે આ સપ્તાહનાં પ્રારંભથી જ નગરજનો થોડી રાહત અનુભવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં આ ફેરફાર જોવા મળ્યો છે.
રાજ્યનો હવામાન વિભાગ કહે છે : આગામી ચોવીસ કલાક બાદ રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો બે-ચાર ડિગ્રી ઉંચકાઈ શકે છે. સાથેસાથે મહત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાઈ શકે છે. જે લોકોને ઠંડીમાં રાહત આપશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા તથા શીતલહેરનું પ્રમાણ ઓછું થઈ રહ્યું હોય, ગુજરાતમાં તેની અસરરૂપે રાહત મળી શકે છે. કાલે બુધવારે રાજ્યમાં ઠંડી સહેજ હળવી થવા પામી છે. આજથી આ હળવાશ વધી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ શિયાળામાં ઉત્તર ભારતમાં હિમવર્ષા સારાં પ્રમાણમાં જોવા મળી. સાથે સાથે ઉત્તરીય કોલ્ડવેવની અસર ગુજરાતમાં પણ વર્તાઈ. પરંતુ હવે ફેબ્રુઆરી શરૂ થયો હોય, વાતાવરણ હવે ધીમેધીમે ઓછું ઠંડુ થતું જશે, એમ હવામાન વિભાગ કહે છે.
અત્રે એ પણ નોંધનીય છે કે, તાજેતરમાં બંગાળની ખાડીમાં જે હવામાન પરિવર્તન નોંધાયું તેની અસરોને કારણે ગુજરાતમાં ઠંડીનું જોર, માવઠું થવાથી સહેજ ઓછું થયું અને હવે આ અસરને કારણે પણ ગુજરાતમાં ઠંડીમાં રાહતનો સમય શરૂ થવાની શરૂઆત થઇ રહી છે. જો કે માત્ર જામનગરની વાત કરીએ તો, ગત્ મોડી રાત્રે લઘુત્તમ તાપમાન સહેજ નીચું ઉતરી જતાં આજે ગુરૂવારે સવારે જામનગરમાં ઠંડીનો હળવો ચમકારો સૌએ અનુભવ્યો. અત્યારે વાતાવરણ ખુશનુમા જોવા મળી રહ્યું છે.